રિપેર કરીને રોડ-ટેસ્ટ માટે પાછી દાદરના પ્લાઝા સિનેમા પાસે લાવવી પડશે BESTની અકસ્માતગ્રસ્ત બસને

13 June, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RTOએ પોલીસને આપેલા મેકૅનિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ડ્રાઇવરની ભૂલ હોવાનો ઇશારો, બસનાં ટાયર અને બ્રેક બરાબર છે : રોડ-ટેસ્ટ પછી સાચું કારણ બહાર આવવાની શક્યતા

ફાઇલ તસવીર

દાદરમાં ૮ જૂને થયેલા ઇલેક્ટ્રિક બસના અકસ્માત મામલે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ગુરુવારે શિવાજી પાર્ક પોલીસને પોતાનો મેકૅનિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટ સુપરત કર્યો છે. પ્રાથમિક તપાસનાં તારણો મુજબ બસમાં મેકૅનિકલી કોઈ ખામી નહોતી. અધિકારીઓના મત મુજબ પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરની ભૂલ હોવાની શક્યતા વધુ જણાય છે. જોકે ટૂંક સમયમાં સંપૂર્ણ રોડ-ટેસ્ટ કરવામાં આવ્યા બાદ જ આખરી અભિપ્રાય આપવામાં આવશે.

અકસ્માતગ્રસ્ત બસ ૭ વર્ષ જૂની છે, એનું ઍન્યુઅલ ફિટનેસ ઇન્સ્પેક્શન ગયા વર્ષે ૧૨ સપ્ટેમ્બરે પૂરું કરવામાં આવ્યું હતું અને એનું ફિટનેસ સર્ટિફિકેટ ૨૦૨૭ની ૨૬ ઑગસ્ટ સુધી માન્ય છે.

તપાસના પ્રથમ તબક્કા દરમ્યાન બસનાં ટાયર અને બ્રેક ચાલુ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં ઍન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફિટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, પરંતુ RTOનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ તબક્કે એનું પરીક્ષણ થઈ શક્યું નથી.

અકસ્માતના એક વિગતવાર અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે બસ હાલમાં રોડ પર ચલાવવા લાયક નથી. બસના આગળના ભાગને નુકસાન થયું છે. આગળ ડાબી બાજુએ તેમ જ ડ્રાઇવરની કૅબિનની અંદર ઇલેક્ટ્રિકલ વાયરિંગને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત આગળ અને પાછળના વિન્ડશીલ્ડ સહિત બારીનો એક કાચ તૂટી ગયો છે. વાહન ચલાવી શકાય એવી સ્થિતિમાં ન હોવાથી RTOએ વધુ વિગતવાર ઇલેક્ટ્રિકલ અને મેકૅનિકલ તપાસ માટે બસ મૅન્યુફૅક્ચરિંગ કંપનીનો સંપર્ક કર્યો છે.

RTOએ ઉત્પાદક/સપ્લાયર કંપનીને વાયરિંગ અને સંબંધિત ભાગોનું સમારકામ કરવા માટે જણાવ્યું છે જેથી આગામી બે દિવસમાં બસને રોડ-ટેસ્ટ માટે યોગ્ય બનાવી શકાય.

brihanmumbai electricity supply and transport dadar road accident regional transport office shivaji park mumbai mumbai news