17 June, 2026 08:37 AM IST | Mumbai | Rohit Parikh
૧૦૦ વર્ષનાં સોનબાઈ ગંગર અને તેમનો પરિવાર અને દહિસરનાં ફિટ ઍન્ડ ફાઇન ૧૦૦ વર્ષનાં સોનબાઈ ગંગર.
દહિસરનાં સોનબાઈ લખમશી ગંગરની ૧૦૦મી વર્ષગાંઠ નિમત્તે તેમના પરિવારજનોની ૪ પેઢીએ સાથે મળીને ૬ જૂને બોરીવલીની આર. કે. હોટેલના હૉલમાં સાંજે ૫.૩૦ વાગ્યે ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આશરે ૨૦૦ જેટલા સ્વજનો, સ્નેહીઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન તેમની પૌત્રીઓ પ્રિયંકા સિદ્ધાર્થ અને પ્રાચી કરણ દ્વારા કરવામાં આવ્યું હતું. ૪ પેઢીઓને એકસાથે જોડતો આ અનોખો પ્રસંગ બધા માટે ભાવવિભોર કરનારો અને યાદગાર બની રહ્યો હતો.
સોનબાઈબા આજે ૧૦૦ વર્ષની વયે પણ આશ્ચર્યજનક રીતે સ્વાવલંબી જીવન જીવે છે એવી માહિતી આપતાં તેમના જમાઈ હિતેષ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોનબાઈ આ ઉંમરે પણ ફિટ ઍન્ડ ફાઇન છે અને પોતાનાં તમામ દૈનિક કાર્યો જાતે જ કરે છે. છેલ્લાં ૫૦ વર્ષથી તેમણે રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે તેમ જ કંદમૂળનો પણ ત્યાગ કરીને ધાર્મિક અને સંયમમય જીવન અપનાવ્યું છે. તેઓ દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને સામાયિક અને પ્રતિક્રમણ કરે છે. તેમની નિયમિત સાધના, શિસ્તબદ્ધ જીવનશૈલી અને સકારાત્મક અભિગમ યુવા પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. કાર્યક્રમ દરમ્યાન તેમનાં પુત્રો-પુત્રીઓ દ્વારા માતૃપૂજન કરવામાં આવ્યું હતું. માતા પ્રત્યેની કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરતો આ પ્રસંગ ઉપસ્થિત સૌની આંખોને ભીની કરી ગયો હતો. પરિવારના સભ્યોએ સોનબાઈબાના જીવનસંઘર્ષ, ત્યાગ, સંસ્કાર અને પરિવારને એક સૂત્રમાં બાંધવાના તેમના યોગદાનને યાદ કરીને ભાવપૂર્ણ શબ્દોમાં આદરાંજલિ અર્પણ કરી હતી. શતાયુ જીવન, સંયમમય સાધના અને સંસ્કારોથી સમૃદ્ધ વ્યક્તિત્વ ધરાવતાં સોનબાઈબા ખરેખર સમગ્ર સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક છે.’
હિતેષ સાવલાએ પ્રસંગની વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી પેઢી દ્વારા રજૂ કરાયેલું ‘મોક્ષની સીડી’નું પ્રતીકાત્મક નિરૂપણ રહ્યું હતું. આધ્યાત્મિક જીવનયાત્રાનાં સાત મહત્ત્વપૂર્ણ પગથિયાં અજ્ઞાનથી જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર, કર્મક્ષયની પ્રક્રિયા, કેવળજ્ઞાન અને મોક્ષશિલાને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાં હતાં. આ રજૂઆત દ્વારા જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો સંદેશ સૌ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.’
મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજા ગામનાં કચ્છી વીસા ઓસવાળ જૈન સોનબાઈ ગંગરના શતાબ્દી મહોત્સવમાં બેરાજા ભાવિક મંડળ અને આપ્તજનો દ્વારા સોનબાઈબાનું શાલ, પુષ્પગુચ્છ અને સન્માનચિહ્ન અર્પણ કરીને હર્ષોલ્લાસભેર બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ઊભા રહીને તાળીઓના ગડગડાટ સાથે તેમના દીર્ઘ અને પ્રેરણાદાયી જીવનને વંદન કર્યું હતું. આ જાણકારી આપતાં હિતેષ સાવલાએ કહ્યું હતું કે ‘પોતાના આશીર્વચનરૂપ સંબોધનમાં સોનબાઈબાએ ખૂબ જ સરળ પરંતુ જીવનને સફળ બનાવતો અમૂલ્ય સંદેશ આપતાં કહ્યું હતું કે એકબીજાનું માન રાખો, ભૂલોને ભૂલી જાઓ, ઈગોથી દૂર રહો અને સદાય હસતા રહો. તેમના આ શબ્દોએ સમગ્ર સભાખંડમાં સકારાત્મકતા અને સંસ્કારનો સંદેશ પ્રસરાવ્યો હતો.’