✕

બે ગુજરાતી દોસ્તારો માટે ઊઠી ન્યાયની માગણી

13 November, 2026 07:07 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દહિસરમાં બાઇકને એક કારે અડફેટે લીધાના ૪ દિવસ બાદ નિકેત ચૌહાણનું મૃત્યુ થયું અને પાર્થ શાહ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, પણ આરોપી આઝાદ છે

દહિસરચા ગણાધીશ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકવામાં આવેલી પોસ્ટ.

આઇસક્રીમ ખાવા બાઇક પર જઈ રહેલા બે મિત્રો દહિસર-ઈસ્ટમાં આનંદનગર જંક્શન પર સિગ્નલ રેડ હોવાથી ઊભા હતા એ વખતે પૂરઝડપે આવેલી કારે તેમને અડફેટે લીધા હતા. એને કારણે બન્ને હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. શુક્રવારે મધરાત બાદ અકસ્માતમાં નિકેત ચૌહાણ અને પાર્થ શાહ બન્ને મિત્રોને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ૨૩ વર્ષના નિકેત ચૌહાણને મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલો નિકેત બુધવારે સાંજે ૭ વાગ્યે મૃત્યુ સામેનો જંગ હારી ગયો હતો અને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈ કાલે બપોરે બોરીવલીના દૌલતનગર સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા, જ્યારે ૨૬ વર્ષનો પાર્થ હજી પણ ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. 
મૂળ ભાવનગર પાસેના ભદ્રાવળ ગામના લુહાર-સુતાર જ્ઞાતિનો અને હાલ દહિસર-ઈસ્ટમાં સ્વામી વિવેકાનંદ (SV) રોડ પર આવેલી રવીન્દ્ર હોટેલની સામેના સચિનનગરમાં રહેતા નિકેત ચૌહાણે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ફીલ્ડમાં હતો અને એક મહિના પહેલાં જ જૉબ પર લાગ્યો હતો એમ જણાવતાં તેના કાકા વિજય ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ નિકેતના પરિવારમાં તેનાં મમ્મી-પપ્પા અને નાની બહેન હીરનો સમાવેશ થાય છે. પહેલો પગાર આવ્યા બાદ નિકેત બહુ ખુશ હતો. તેણે એ પગારમાંથી પરિવારના તમામ સભ્યો માટે ગિફ્ટ લીધી હતી. શુક્રવારે મધરાત બાદ તે અને તેનો ફ્રેન્ડ રાતે આઇસક્રીમ ખાવા નીકળ્યા હતા ત્યારે ઍક્સિડન્ટ થયો હતો. નિકેતને ત્યાર બાદ અમે મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપી રહ્યા હતા. તેને માથામાં, મગજમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. અમે ચારેક જેટલા અલગ-અલગ ન્યુરોસર્જ્યનને બતાવ્યો પણ દરેકનું કહેવું હતું કે મગજ બહુ જ વધારે ડૅમેજ થયું છે એથી ચાન્સિસ ઓછા છે. તેણે બુધવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ ભગવતી હૉસ્પિટલમાં તેનું પોસ્ટમૉર્ટમ કરાયું હતું. ગઈ કાલે બપોરે બોરીવલીના દૌલતનગર સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.’ 

નિકેત ચૌહાણના પરિવારજનોના જણાવ્યા અનુસાર આ કેસ સંદર્ભે દહિસર પોલીસે પહેલાં અકસ્માત કરનાર કારના ડ્રાઇવર રોશન પવાર સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. જોકે નિકેતનું મૃત્યુ થયા બાદ પોલીસ-કેસ હોવાથી હૉસ્પિટલમાંથી જ પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ દહિસર પોલીસે આવીને નિકેતના મૃતદેહનો તાબો લઈ એનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. પોલીસનું એમ કહેવું હતું કે નિકેતનું મૃત્યુ થવાના કારણે હવે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં એ પ્રકારની કલમનો વધારો કરવામાં આવશે.
         

mumbai news mumbai dahisar gujaratis of mumbai gujarati community news road accident social media