૨૧ વર્ષની એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કેમ દીક્ષા લઈ રહી છે?

27 April, 2024 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી લાઇફનું એન્ડ રિઝલ્ટ શું? આ સવાલ યશ્વી નંદુના આત્માને ઢંઢોળી ગયો અને તે સંયમમાર્ગ તરફ વળી ગઈ

યશ્વી નંદુ

દહિસરમાં રહેતી વાગડ વીસા ઓસવાળ જૈન જ્ઞાતિની ૨૧ વર્ષની યશ્વી નંદુ આવતી કાલે દીક્ષા ગ્રહણ કરવાની છે.

યશ્વી ડી. જે. સંઘવી કૉલેજમાંથી મેકૅનિકલ એન્જિનિયરિંગ કરી રહી હતી, પરંતુ તેના છેલ્લા વર્ષનો અભ્યાસ બાકી છે. મોહમયી મુંબઈ નગરીની માયા, સોશ્યલ મીડિયાનું ઍટ્રૅક્શન અને સુંદર કૉલેજ-લાઇફ છોડીને સંયમમાર્ગ ગ્રહણ કરવો એ સહેલી વાત તો નથી જ. આ કઠિન માર્ગે પ્રયાણ કરવાનું મન કેવી રીતે થયું એના જવાબમાં યશ્વીનું કહેવું છે કે ‘૨૦૨૦માં પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ દ્વારા શ્રી ગિરનાર તીર્થમાં યુવા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર તીર્થ એટલે પ્રભુનેત્રની ભૂમિ અને આ શિબિરમાં જઈશ તો મને કંઈક શીખવા તો મળશે જ અને સાથે મને ગિરનાર તીર્થની યાત્રા કરવાનો અવસર પણ મળશે એ વિચારથી હું તરત ત્યાં જવા તૈયાર થઈ ગઈ હતી. શિબિરમાં રોજ પરમ ગુરુદેવનાં પ્રવચનો સાંભળતી હતી અને એક દિવસ ગુરુદેવ દ્વારા પુછાયેલો પ્રશ્ન ‘તમારી લાઇફનું એન્ડ રિઝલ્ટ શું છે?’ મારા આત્માને ઢંઢોળી ગયો અને મારા મનમાં ચિંતન શરૂ થઈ ગયું કે હું જે પણ સાંસારિક ક્રિયા કરું છું એનું એન્ડ રિઝલ્ટ તો ઝીરો જ છે, તો હું આ સંસારને શા માટે છોડી ન દઉં? ત્યાર બાદ મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. મારાં માતા-પિતાએ મને સહર્ષ સહમતી આપી. હું છેલ્લાં અઢી વર્ષથી જૈન ધર્મનો અભ્યાસ કરી રહી હતી અને હવે મને દીક્ષા મળતાં મારા મનની ઇચ્છા પૂર્ણ થશે.’

યશ્વીના પપ્પા મહેન્દ્રભાઈ અને મમ્મી હેમલતાબહેન તેમ જ ભાઈ મેઘ એ માટે ગર્વ અનુભવે છે. દહિસરમાં જ ડ્રીમગર્લ નામનો લેડીઝ ગાર્મેન્ટ્સનો સ્ટોર ધરાવતા મહેન્દ્રભાઈ કહે છે, ‘યશ્વી નાની હતી ત્યારથી જ તેનામાં ધર્મની લાગણી છે. ફક્ત ૪ વર્ષની ઉંમરે તે ૪૦૦ લોકોની હાજરીમાં જૈનોનું મોટી શાંતિનું સ્તોત્ર બોલી હતી અને ૯ વર્ષની નાની ઉંમરે જ તેણે ઉપધાન તપ કર્યું હતું. તે હંમેશાં શાળામાં ટૉપ ફાઇવમાં જ આ‍વતી હતી અને એસએસસીમાં તેણે ૯૪ ટકા મેળવ્યા હતા. મારી દીકરી મારું સ્વાભિમાન છે. તે હવે એવી ડિગ્રી લઈ રહી છે જે લાખોમાં કોઈકને જ મળે છે. દીકરીની વિદાય તો નિશ્ચિત જ હોય છે, પરંતુ સંસારસાગરમાં અટવાવાને બદલે તે સંયમમાર્ગે પોતાના આત્માનો ઉદ્ધાર કરશે એ બદલ અમે ખુશી અનુભવીએ છીએ.’

 

- શર્મિષ્ઠા શાહ

jain community dahisar mumbai mumbai news