નકલી નોટનું કૌભાંડ નોટબંધીની અગાઉથી પુરજોશમાં ચાલતું હતું?

05 October, 2022 10:03 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઘણાં વર્ષોથી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા : દહિસરથી પકડાયેલી કુલ ૨૨૭ કરોડની બનાવટી નોટોમાં ૬૭ કરોડની નોટો તો નોટબંધી વખતે રદ થયેલી નોટો છે

પકડાયેલા આરોપીઓ સાથે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જપ્ત કરાયેલી નોટમાં નોટબંધીમાં રદ કરાયેલી નોટોનો પણ સમાવેશ છે

સુરતની કામરેજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે સુરત પોલીસે દહિસરના આનંદનગરમાં આવેલા આદિત્ય પાર્કમાં પાડેલી રેઇડ દરમિયાન કુલ ૨૨૭,૦૪,૫૦,૦૦૦ રૂપિયાની ભારતીય ચલણની બનાવટી નોટો મળી આવી હતી. નવાઈની વાત એ છે કે એમાં ૬૭ કરોડની બનાવટી નોટો તો નોટબંધી વખતે રદ થઈ ગયેલી નોટો છે. એનો અર્થ એ થયો કે આ કૌભાંડ એ પહેલાંથી જ ચાલુ હતું. તપાસ દરિમયાન એવું જાણવા મળ્યું છે કે ઉત્તર ભારતમાં આવી નોટો છપાતી હતી. આરોપી વિકાસ જૈને તેની વી. આર. લૉજિસ્ટિક (આંગડિયા પેઢી)ની અનેક બ્રાંચ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી વગેરે જગ્યાએ ખોલી હતી. મોટા ભાગે આંગડિયા પેઢી દ્વારા કૅશની પણ હેરફેર થતી હોય છે. એથી આંગડિયાના કામકાજ હેઠળ કેટલીક સાચી નોટોને કાઢીને એની જગ્યાએ આ બનાવટી નોટો ગોઠવી મોટા પાયે છેતરિપંડી કરાઈ હોવાની શક્યતા નકારી શકાતી નથી. સુરત પોલીસ હાલ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.  

સુરત પોલીસે આ કેસમાં કુલ છ જણની ધરપકડ કરીને ૩૧૬,૯૮,૫૪,૦૦૦ રૂપિયાની નોટો પકડી પાડી છે. સુરતની કામરેજ પોલીસે દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની ઍમ્બ્યુલન્સમાં હેરફેર કરાતી ૨૫.૮૦ કરોડની નોટો સાથે પહેલાં હિતેશ કોટડિયાને ઝડપ્યો હતો. એ પછી તેની પૂછપરછ દરિમયાન તે આ નોટો મુંબઈમાં વી. આર. લૉજિસ્ટિક ચલાવતા વિકાસ જૈન પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. એથી સુરત પોલીસે દહિસર-ઈસ્ટના એન. એલ. હિમાલયા કૉમ્પ્લેક્સમાં રહેતા વિકાસ જૈનના આંનદનગરના આદિત્ય પાર્કમાં આવેલા ફ્લૅટ જેનો ઉપયોગ તે ગોડાઉન તરીકે કરતો હતો એના પર છાપો માર્યો હતો અને ૨૨૭ કરોડની ફેક નોટો જપ્ત કરી હતી. વિકાસ જૈન સામે આ પહેલાં પણ ગોરેગામ-ઈસ્ટના વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફેક કરન્સીને લગતો ગુનો ૨૦૨૦માં નોંધાયો હતો. એથી તે આ કૌભાંડનો મૂળ સૂત્રધાર અને રીઢો ગુનેગાર હોવાનું જણાઈ આવ્યું છે. હાલ સુરત પોલીસ દ્વારા કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.

સુરતની એક એવી પણ પાર્ટી છે જેને આ ટોળકીએ ૧.૫૦ કરોડ જેટલી રકમ સાથે છેતરી છે. એના દ્વારા ફરિયાદ પણ કરાઈ છે અને એ ટ્રાન્ઝૅક્શનની પણ તપાસ ચાલી રહી છે.   

mumbai mumbai news surat dahisar Crime News bakulesh trivedi