ડોમ્બિવલીના ધુરંધર બ્રિજ પર રીલ્સ માટે ખતરનાક સ્ટન્ટ્સ

12 February, 2026 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘ધુરંધર’ના દૃશ્યથી પ્રેરાઈને યુવકો બ્રિજ પર કાફલો રચીને ઝિગઝૅગ ડ્રાઇવિંગ કરતા હોવાની ફરિયાદ મળી હતી

ટ્રાફિક પોલીસે જપ્ત કરેલી કાર.

ધુરંધર બ્રિજના નામે ઓળખાતા ડોમ્બિવલી-વેસ્ટના મોથાગાવ બ્રિજ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે યુવકોએ ખતરનાક સ્ટન્ટ્સ કર્યા એની સામે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક-વિભાગે કડક કાર્યવાહી કરી છે. વિષ્ણુનગર પોલીસે તાજેતરમાં અઢારથી બાવીસ વર્ષ વચ્ચેના ૪ યુવકની વિરુદ્ધ બેદરકારીથી ડ્રાઇવિંગ કરવા બદલ મોટર વ્હીકલ્સ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમનાં વાહનો જપ્ત કર્યાં છે. ૨૬ જાન્યુઆરીએ અપલોડ કરેલી બે રીલ્સમાં દેખાતી નંબર-પ્લેટના આધારે તેમની ઓળખ કરીને પોલીસે કાર્યવાહી કરી હતી. ફિલ્મ ‘ધુરંધર’ના દૃશ્યથી પ્રેરાઈને યુવકો બ્રિજ પર કાફલો રચીને ઝિગઝૅગ ડ્રાઇવિંગ કરતા હોવાની ફરિયાદ મળી હતી એને પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

થાણે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પંકજ શિરસાટે કહ્યું હતું કે ‘ઉલ્હાસ નદી પર આવેલા મોથાગાવ બ્રિજ પર ‘ધુરંધર’ ફિલ્મનો એક ઍક્શન-સીન શૂટ થયો હતો જેમાં કારના ટાયર પર ગોળી મારતાં કાર નદીમાં પડી જાય છે એવું દૃશ્ય હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ યુવકો એ જ દૃશ્યની નકલ કરતા જોવા મળ્યા હતા. કારમાં કૉન્વૉય કરી બ્રિજ પર ઝિગઝૅગ ડ્રાઇવિંગ કરી અન્ય મિત્રએ વિડિયો શૂટ કરીને તરત સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. સ્થાનિક લોકોના મતે બ્રિજ પરથી માનકોલી તરફ ઊતરતી વખતે આવા સ્ટન્ટ્સને કારણે નાના-મોટા ઍક્સિડન્ટ થાય છે. બ્રિજ ખૂલ્યા બાદ એ સેલ્ફી-પૉઇન્ટ બન્યો છે, પણ ‘ધુરંધર’ ફિલ્મના શૂટિંગ પછી સ્ટન્ટ્સ વધ્યા છે. આ મુદ્દે સ્થાનિક લોકોએ રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તાજેતરમાં અમે ત્રણ કાર જપ્ત કરી છે. બ્રિજ પર બેદરકારીથી ડ્રાઇવિંગ વિશે મળેલી ફરિયાદ બાદ નારપોલી ટ્રાફિક યુનિટને સખત નજર રાખવા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.’

mumbai news mumbai dhurandhar mumbai crime news Crime News road accident dombivli thane crime thane