બૉમ્બે હાઈ કોર્ટના રિટાયર્ડ જજની દીકરીનું લગ્નના દિવસે જ મૃત્યુ

30 December, 2025 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિક નજીકના એક રિસૉર્ટમાં લગ્નવિધિના ગણતરીના કલાકો પહેલાં દુલ્હન ચક્કર ખાઈને પડી ગઈ

પ્રતીકાત્મક તસવીર

લગ્ન કરીને પિતાનું ઘર છોડીને જવાની તૈયારી કરતી દીકરી દુનિયા છોડીને જતી રહી અને ગોડબોલે પરિવારનો દીકરી પરણાવવાનો હરખ શોકમાં ફેરવાઈ ગયો. બૉમ્બે હાઈ કોર્ટના રિટાયર્ડ જજ ગિરીશ ગોડબોલેની દીકરીનાં લગ્ન નાશિક નજીકના ગંગાપુર ગામ નજીક એક વૈભવી રિસૉર્ટમાં રાખ્યાં હતાં. લગ્નના દિવસે સવારે ૯.૩૦ વાગ્યે રિસૉર્ટના રૂમમાં પરિવાર સાથે બેઠી હતી ત્યારે અચાનક દીપશિખા ગોડબોલે ચક્કર ખાઈને પડી ગઈ હતી. તેનાં કાકી ડૉ. સ્વાતિ બાપટે તેને પ્રાથમિક સારવાર આપી ત્યાર બાદ દીપશિખાને શ્રી ગુરુજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ત્યાંથી તેને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

દાદરની રૂપારેલ કૉલેજ પાસે રહેતી ૨૯ વર્ષની દીપશિખાને લગ્નના પ્રસંગોના ઉજાગરાને કારણે થાક વર્તાતો હતો. જોકે એને અવગણવાને કારણે તેની તબિયત બગડી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું તેમ જ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.

mumbai news mumbai bombay high court nashik