30 September, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોટેલમાં સર્વ કરેલા મૈસૂર મસાલા ઢોસામાં મળેલો મરેલો ઉંદર.
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની નજીક આવેલી જાણીતી રાધા કૃષ્ણા હોટેલમાં જમવા ગયેલા એક પરિવારને ચોંકાવનારો અનુભવ થયો હતો. તેમણે ઑર્ડર કરેલા મૈસૂર મસાલા ઢોસામાં મરેલો ઉંદર મળ્યો હતો. તેમણે મોબાઇલ પર વિડિયો રેકૉર્ડ કરીને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બોરીવલી પોલીસે આ ફરિયાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને મોકલતાં તપાસ બાદ રાધા કૃષ્ણા હોટેલનું લાઇસન્સ હાલપૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ કેસના ફરિયાદીના જણાવવા મુજબ તે તેના બે કઝિન અને બાળકો સાથે રાધા ક્રિષ્ણા હોટેલમાં જમવા ગયો હતો. બધાએ સાઉથ ઇન્ડિયન ફૂડ ઑર્ડર કર્યું હતું. તેના કઝિન અમિત ત્રિવેદીએ મૈસૂર મસાલા ઢોસા ઑર્ડર કર્યો હતો. થોડા બાઇટ લીધા બાદ તેણે મૈસૂર મસાલામાં નાનોએવો મરેલો ઉંદર જોયો હતો. એ જોઈને બધા ચોંકી ઊઠ્યા હતા. તેને એ જોઈને ઊલટી થઈ ગઈ હતી. આ બાબતે ત્યાર બાદ હોટેલના મૅનેજમેન્ટને જાણકારી અપાઈ હતી અને એ પછી બોરીવલી પોલીસ-સ્ટેશનમાં હોટેલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે ‘રાધા ક્રિષ્ણા બહુ જ જાણીતી હોટેલ છે અને એમાં અનેક પરિવારો જમવા આવતા હોય છે. એમાં જો આવી ઘટના બનતી હોય તો એ ફૂડ-સેફ્ટીને લગતી મોટી ખામી કહેવાય.’
ફરિયાદીએ એ વિડિયો ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને અને FDAના કમિશનર તુકારામ મુંઢેને પણ ટૅગ કર્યો હતો તેમ જ પોલીસે પણ ફરિયાદ FDAને મોકલાવી હતી જેના પગલે FDAએ કાર્યવાહી કરીને હોટેલ બંધ કરાવી હતી અને એનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.