13 March, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાયનમાં પ્રતીક્ષાનગર બસડેપો પાસેથી ગઈ કાલે સવારે એક સિનિયર સિટિઝનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ડેપો પાસેથી પસાર થઈ રહેલી એક વ્યક્તિએ એક વ્યક્તિને રોડ પર પડેલી જોઈને પોલીસને બોલાવી હતી. વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ત્યાં આવીને જોયું તો તે માણસ મૃત્યુ પામ્યો હતો. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. ૬૯ વર્ષની આ વ્યક્તિની ઓળખ અનંથ રામચંદ્ર અકુબાથિન તરીકે થઈ હતી.
અનંથની હત્યા કરવામાં આવી હતી કે પછી તેનું નૅચરલ ડેથ છે એ હજી જાણી શકાયું નથી. પોલીસના કહેવા મુજબ મૃત્યુ પામનારી વ્યક્તિને દારૂની લત હતી. તે વ્યક્તિ પ્રતીક્ષાનગરમાં તેના ભાઈ સાથે રહેતી હતી, જ્યારે તેની ફૅમિલી વિક્રોલીમાં રહે છે. આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને પોલીસ વધારે તપાસ કરી રહી છે.