હીરા બજારના ઠગની થઈ આખરે ધરપકડ

16 May, 2022 10:17 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ડિફૉલ્ટર જાહેર કરાયેલા અને જેના પર બીકેસીના હીરાબજારમાં એન્ટ્રી પર બંધી મૂકવામાં આવી છે એ ધવલ વોરાને પોલીસે ૧૦ લાખ રૂપિયાના ડાયમન્ડની છેતરપિંડીના કેસમાં પકડ્યો

પ્રતીકાત્મક તસવીર

હીરાબજારમાં છેલ્લાં ૧૫ વર્ષથી વેપાર કરતા પણ નાની-મોટી છેતરપિંડીને કારણે ડિફૉલ્ટર જાહેર કરાયેલા અને હાલ જેના પર બીકેસીના હીરાહજાર ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)માં એન્ટ્રી પર બંધી મૂકવામાં આવી છે એ ધવલ વોરાને એલ. ટી. માર્ગ પોલીસે ૧૦ લાખ રૂપિયાના ડાયમન્ડની છેતરપિંડીના કેસમાં શુક્રવારે પકડ્યો હતો.

મૂળ થરાદનો ધવલ વોરા ખેતવાડીની પાછળના વી. પી. રોડ પર રહે છે અને વર્ષોથી ડાયમન્ડ માર્કેટમાં ઍક્ટિવ છે. પોલીસના કહેવા મુજબ તે આડી લાઇને ચડી ગયો છે અને બારમાં પૈસા ઉડાડતો થઈ ગયો છે અને એ જ કારણ સર તે બજારમાં છેતરપિંડી કરવા માંડ્યો હતો. ખોટી પાર્ટી બતાવીને હીરા લઈ જવા, બીજે સસ્તામાં વેચી મારવા, પેમેન્ટ અટકાવી દેવું જેવી નાની-મોટી છેતરપિંડી તે કરતો હોવાથી તેની સામેની ફરિયાદો વધવા માંડતાં બીડીબીએ તેને ડિફૉલ્ટર જાહેર કર્યો છે અને બીડીબીમાં તેની એન્ટ્રી પર બંધી મૂકી દેવાઈ છે.

હીરા બજારના એક વેપારીએ કહ્યું હતું કે ‘તેને બીડીબીમાં એન્ટ્રી નથી, પણ તે ઑપેરા હાઉસમાં ફરતો હોય છે. અહીં બીકેસીમાં પણ કોઈ વેપારીને બહાર બોલાવીને મળતો હોય છે. જોકે તેના વિશે વેપારીઓ જાણે છે.’

ધવલ વોરાએ આ કેસમા જે છેતરિપંડી કરી હતી એ ઘટના ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બની હતી. એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં મૂળ ગુરુગ્રામના અને દિલ્હીમાં ડાયમન્ડનો વેપાર કરતા ગિરિરાજ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી. તેમને રૂપિયાની જરૂર હતી એટલે ૧૦ લાખના ૫૧.૬૦ કૅરૅટના ડાયમન્ડ કાઢવા હતા. ગિરિરાજ ગુપ્તાનો ભાઈ અહીંની એક હોટેલમાં ધવલ વોરાને ૧૮ નવેમ્બરે મળ્યો હતો. ધવલ વોરાએ ડાયમન્ડ ચકાસીને નવ લાખ રૂપિયા આપશે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે હીરાના એક વેપારીને ફોન લગાડીને તેની સાથે વાત કરી હતી અને એ ચાલુ ફોન ગિરિરાજ ગુપ્તાના ભાઈને આપીને વેપારી સાથે વાત કરવા કહ્યું હતું. ગિરિરાજ ગુપ્તાનો ભાઈ તે વેપારી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે ધવલે ચાલાકી વાપરી ઓરિજિનલ હીરાની સાથે ડુપ્લિકેટ હીરા બદલી નાખ્યા હતા. પછી તેણે હાલ કૅશ અરેન્જ કરતાં થોડી વાર લાગશે એમ કહી ગિરિરાજ ગુપ્તાના ભાઈને ડુપ્લિકેટ ડાયમન્ડનું પડીકું પકડાવી દીધું હતું.

ગિરિરાજ ગુપ્તાના ભાઈએ એ જ ડાયમન્ડનું પડીકું અન્ય એક વેપારીને ૨૬ નવેમ્બરે ફરી વેચવા માટે બતાવ્યું ત્યારે વેપારીએ કહ્યું કે આ ડાયમન્ડ તો બનાવટી છે. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે છેલ્લે તેણે એ ડાયમન્ડ ધવલ વોરાને બતાવ્યા હતા. એથી તેણે ગિરિરાજને એ વિશે જાણ કરતાં ગિરિરાજ ગુપ્તાએ એલ. ટી. માર્ગે પોલીસ સ્ટેશનમાં ધવલ વોરા સામે ફરિયાદ નોંધાવી હતી. લાંબા વખતથી એલ. ટી. માર્ગ પોલીસને ચકમો આપી રહેલા ધવલને આખરે પોલીસે શુક્રવારે ઝડપી લીધો હતો અને તેની સામે છેતરપિંડી અને ગુનાહિત ઇરાદો ધરાવવાના ગુના હેઠળ કેસ નોંધ્યો હતો. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને પોલીસ-કસ્ટડી ફટકારી હતી.

એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેની પૂછપરછ દરિમયાન તેણે એમ કહ્યું છે કે એ હીરા તેણે સુરતમાં એક પાર્ટીને વેચ્યા છે. એથી તેને લઈને અમારી એક ટીમ એ હીરા હસ્તગત કરવા સુરત ગઈ છે.’

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news bakulesh trivedi