મોડી ચાલતી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સમયસર થતાં હજી થોડો સમય લાગશે

22 October, 2021 11:31 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

દિવા અને કલવા બ્રિજના કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી થાણે-દિવા વચ્ચે વધારાની લાઇન શરૂ કરવામાં લાગશે વધુ સમય : કામ પૂરું થયા બાદ રોજની ૧૦૦ સર્વિસનો થશે વધારો

કલવા ફાટક અને બૅકગ્રાઉન્ડમાં નવો બ્રિજ. છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટ પ્રમાણે આ ફાટક બંધ કરીને ટ્રૅક વધારવામાં આવશે

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બે બ્રિજના નિર્માણના કામમાં થઈ રહેલા વિલંબને લીધે થાણે-દિવા વચ્ચે નવી પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇનનું કામકાજ પણ પ્રભાવિત થયું છે. રેલવેની કામગીરી તો પૂરી થવામાં છે. નવી લાઇન પર ટ્રેનો જાન્યુઆરી ૨૦૨૨ સુધી દોડતી થઈ શકે એમ છે, પણ રેલવે ટ્રૅક પરથી નીકળનારા કલવા અને દિવાના બ્રિજનું કામ અટકેલું પડ્યું છે.

સેન્ટ્રલ રેલવેની અડધી ટ્રેનો જેને કારણે દરરોજ મોડી પડે છે એ કલવા ફાટક ઑક્ટોબરમાં બંધ કરવાનું હતું. જોકે થાણે પાલિકા દ્વારા એન્ટ્રી-એક્ઝિટનો માર્ગ બનાવવામાં થયેલા વિલંબને લીધે કળવા ફાટક બંધ કરવાની તારીખ પણ એક મહિનો પાછળ ખસેડી છે. આ ફાટકને લીધે સેન્ટ્રલ રેલવેની ઘણી ટ્રેનોએ અહીં અટકવું પડે છે. થાણે-દિવા પાંચમી અને છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટના આયોજન પ્રમાણે આ ફાટક બંધ કરવા સાથે ટ્રૅક પણ વધારવામાં આવશે જેને લીધે પ્રોજેક્ટ પૂરેપૂરો કાર્યરત થયા પછી એક દિવસમાં ૧૦૦થી વધુ સર્વિસનો વધારો થશે.

આયોજન મુજબ બ્રિજનું કામ નવેમ્બર સુધી પૂરું થવાનું હતું અને પાંચમી અને છઠ્ઠી લાઇન જાન્યુઆરી ૨૦૨૨થી શરૂ કરવાની હતી. વાસ્તવિકતામાં બ્રિજનું કામ પણ પૂરું થઈ ગયું છે, પણ છેલ્લી ઘડીએ થાણે પાલિકા દ્વારા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ માટેના અપ્રોચ-રસ્તાઓ બનાવવામાં થયેલા વિલંબને લીધે આખો પ્રોજેક્ટ પાછો ઠેલવાયો છે.

કલવામાં ખારીગાંવ ફાટક પર બનનારા રોડ બ્રિજના કામને ૧૨ વરસ વીતી ગયાં છે. અંતે તે મે ૨૦૨૧ સુધીમાં પૂરું થવાની આશા હતી, જે ન ફળતાં એની ડેડલાઇન ઑક્ટોબર ૨૦૨૧ કરવામાં આવી હતી. જોકે હવે એને વધુ એક મહિના પાછું ઠેલવામાં આવ્યું છે. આ બ્રિજ પાછળ ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

જમીનના વિવાદને લીધે બાંધકામમાં મોડું

આ બ્રિજ બનતા આટલું મોડું કેમ થયું એવા પ્રશ્નના જવાબમાં એક વરિષ્ઠ અધિકારી કહે છે, ‘૨૦૦૮માં મંજૂરી મળ્યા પછી સેન્ટ્રલ રેલવે દ્વારા તેમના ભાગનું કામ ૨૦૧૭ સુધીમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું, પણ થાણે પાલિકાનું કામ જમીનની સમસ્યાને લીધે ઢીલું પડ્યું હતું. પૂર્વ તરફ બ્રિજ ઉતારવા માટે ક્યાંય સમથળ અને ખાલી જગ્યા નહોતી. ઉપરથી ત્યાંની જમીનો વિવાદમાં સપડાઈ હતી, જેને ઉકેલવામાં ઘણો સમય ખર્ચાઈ ગયો.’

મેયર મરેશ મ્હસ્કેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કલવામાં કામગીરી ઘણી આગળ વધી ગઈ છે. આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે નવેમ્બર સુધી બ્રિજનું કામકાજ પૂરું થઈ જશે.’

દિવા બ્રિજ માટે દિલ્હી હજી દૂર

દિવા બ્રિજની કામગીરી માટે પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ત્યાં પણ પૂર્વમાં બ્રિજને ઉતારવા માટે યોગ્ય જગ્યા નથી. દિવાના ફાટકને બંધ કરી ઉપરથી બ્રિજ બનાવવા માટે પૂર્વમાં તળાવ ભરી દેવું પડશે અને વીજળીના થાંભલા વગેરે બીજે સ્થળે ખસેડવા પડશે. એ કામ પૂરું થયા પછી જ પાયા નાખવાની શરૂઆત થઈ શકે છે. આ બ્રિજ પાછળ આશરે ૬૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. પશ્ચિમમાં તો પાયાનું અને લોખંડના સળિયા નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. જો બધું સમુંસૂતરું ચાલ્યું તો આવતા વરસ સુધીમાં રેલવેના ભાગની કામગીરી પૂરી થઈ જશે.

mumbai mumbai news central railway kalwa rajendra aklekar