28 May, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈના સાઇબર સેલે ધરપકડ કરેલો આરોપી શાહરુખ ખાન.
નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન પાસેથી ઇન્શ્યૉરન્સ પૉલિસી બંધ કરાવવાના નામે ૬૧ લાખ રૂપિયા પડાવી લેનારા શાહરુખ ખાનની નવી મુંબઈની સાઇબર પોલીસે સોમવારે રાતે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પચીસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ આખી ઘટના પાછળ એક આંતરરાજ્ય સાઇબર ગૅન્ગ સક્રિય હોવાની આશંકા સામે આવી છે જે દેશભરમાં કૉલ સેન્ટર નેટવર્ક દ્વારા નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે.
આવી રીતે કરી છેતરપિંડી
નવી મુંબઈના સાઇબર પોલીસ સેલના સિનિયર ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ ૨૦૨૫ની પહેલી જુલાઈથી ૨૦૨૬ની ૧૪ એપ્રિલ દરમ્યાન ખારઘરમાં રહેતા એક સિનિયર સિટિઝન પાસેથી ઇન્શ્યૉરન્સ પૉલિસી બંધ કરાવવાના નામે ૬૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરીને પોતાની વીમા કંપનીના ઑફિશ્યલ પ્રતિનિધિ તરીકે ઓળખ આપી હતી. ત્યાર બાદ પૉલિસી બંધ કરવાની પ્રક્રિયાના નામે એજન્ટ કોડ, BTC કોડ, ડૉક્યુમેન્ટ પ્રોસેસિંગ અને કૅશ કન્વર્ઝન જેવાં અલગ-અલગ બહાનાં હેઠળ ફરિયાદીને વિવિધ બૅન્ક-ખાતાંમાં પૈસા જમા કરાવવા પ્રેરિત કર્યા હતા. પાછળથી છેતરપિંડી થઈ હોવાની માહિતી મળતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’
પોલીસ-ઍક્શન
નવી મુંબઈના સાઇબર પોલીસ સેલના સિનિયર ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે કહ્યું હતું કે ‘ટેક્નિકલ ઍનૅલિસિસ અને બૅન્ક-ટ્રાન્ઝૅક્શન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને દિલ્હીમાંથી અમે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન આરોપી શાહરુખ ખાને કબૂલ્યું હતું કે તે અન્ય સાથીદારો સાથે મળીને કૉલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતો હતો અને એના બદલામાં તેને મોટો આર્થિક લાભ મળતો હતો.’