રીડેવલપમેન્ટ સંબંધિત ક્લિયરન્સ આપવા માટે એક કરોડ રૂપિયાની લાંચની માગણી

13 September, 2026 10:58 AM IST  |  Panvel | Gujarati Mid-day Correspondent

CBIએ લાંચ માગનારા CGST સુપરિન્ટેન્ડેન્ટ અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ એક કરોડ રૂપિયાની લાંચ માગનારા સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (CGST)ના અધિકારીની ધરપકડ કરી છે. નવી મુંબઈના પનવેલમાં રિયલ એસ્ટેટ કંપની દ્વારા ફ્લૅટના રીડેવલપમેન્ટ સંબંધિત ક્લિયરન્સ આપવા માટે તેમની પાસેથી એક કરોડ રૂપિયા તથા ફ્લૅટની માગણી કરવા બદલ CGST લૅન્ડ ઍન્ડ બિલ્ડિંગ સેક્શનના રાયગડ કમિશનરેટથી જોડાયેલા સુપરિન્ટેન્ડેન્ટ પંકજકુમાર ઉર્ફે પંકજ રાજપૂત અને CGST કન્સલ્ટન્ટ પ્રસાદકુમાર સ્વામી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. 

CBIને ૯ સપ્ટેમ્બરે પ્રાઇવેટ રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા ફરિયાદ મળી હતી જેના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યુ પનવેલના સેક્ટર ૧૭માં આ ફર્મ દ્વારા બે બિલ્ડિંગના ૨૪ ફ્લૅટનું રીડેવલપમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બિલ્ડિંગમાં અમુક ફ્લૅટ સેન્ટ્રલ એક્સાઇઝ રાયગડ કમિશનરેટ અને CGSTની માલિકીના પણ છે. જોકે ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આરોપીઓએ રીડેવલપમેન્ટ માટે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા માટે એક કરોડ રૂપિયાની તથા ડિપાર્ટમેન્ટની માલિકીના ફ્લૅટનો કબજો આપવાની માગણી કરી હતી. 

તપાસકર્તાઓને તપાસ દરમ્યાન જણાયું હતું કે આરોપીઓએ ૩ ભાગમાં લાંચ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. ૧૦ લાખ રૂપિયા તાબડતોબ, ૨૦ લાખ રૂપિયા અધિકારી ફ્લૅટ ખરીદે એના ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવાની અને ૭૦ લાખ રૂપિયા નવી દિલ્હીમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ચૂકવવાની શરત મૂકવામાં આવી હતી. 
૧૦ સપ્ટેમ્બરે લાંચનો પહેલો હિસ્સો લેવા માટે કન્સલ્ટન્ટ પ્રસાદકુમાર સ્વામી પહોંચ્યો ત્યારે છટકું ગોઠવીને CBIએ તેને પકડી લીધો હતો. ત્યાર બાદ બન્નેની ધરપકડ કરીને તેમને ૧૧ સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને બે દિવસની CBI કસ્ટડી ફટકારવામાં આવી હતી.  

mumbai news mumbai navi mumbai panvel Crime News mumbai crime news central bureau of investigation