01 January, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીઓ દરમ્યાન ટીચર્સને આપવામાં આવતી ઇલેક્શન-ડ્યુટી વિશે અનેક ફરિયાદો ઊઠતી આવી છે. આ વખતે BMCની ચૂંટણી પહેલાં વિધાનપરિષદના સભ્ય જે. એમ. અભ્યંકરે ઇલેક્શન કમિશનને લેટર લખીને શિક્ષકોની ડ્યુટીમાં કેટલીક રાહત આપવા વિનંતી કરી છે.
શિવસેના (UBT)ના નેતા અને મુંબઈ ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીનું પ્રતિનિધિત્વ કરતા જે. એમ. અભ્યંકરના આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે ગર્ભવતી શિક્ષિકાઓ, નાનાં બાળકો ધરાવતા શિક્ષકો, ૫૪ વર્ષથી વધુ ઉંમરના તમામ શિક્ષકો, ગંભીર બીમારીઓથી પીડાતા શિક્ષકો અને દિવ્યાંગ શિક્ષકોને ઇલેક્શન-ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત મહત્ત્વની મીટિંગો કે અન્ય ઇલેક્શન-ડ્યુટીમાં હાજર શિક્ષિકાઓને રાતે ૮ વાગ્યે રજા આપી દેવામાં આવે.
લેટરમાં એ પણ જણાવાયું છે કે ગયા વર્ષે ચૂંટણીમાં અનેક કેન્દ્રો પર સુવિધાઓના અભાવને કારણે શિક્ષકોએ તકલીફ વેઠવી પડી હતી. ખાસ તો મહિલા શિક્ષકો માટે અલગ અને સુરક્ષિત સ્પેસ, ટૉઇલેટ, વોટિંગ-બૂથ પર ખાવાની વ્યવસ્થા વગેરે બાબતે અનેક ફરિયાદો મળી હતી.
શું કહે છે શિક્ષકો?
મહારાષ્ટ્ર શિક્ષક સેનાના ઍડિશનલ ટીચર્સ ડિપાર્ટમેન્ટનાં પ્રેસિડન્ટ સીમા દીપક અલાસ્કરે જણાવ્યું હતું કે ‘શિક્ષકો સવારથી સાંજ સુધી ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, ઇલેક્શનને કારણે રવિવારે અને ક્રિસમસ જેવી જાહેર રજાના દિવસે પણ કામ કરવું પડે છે. રાજ્ય સરકારે પહેલાંથી જ શિક્ષકોને ડિજિટાઇઝેશનની ઘણી ડ્યુટી સોંપેલી છે. ઇલેક્શનની ડ્યુટી વધારાનો બોજ છે.’
અન્ય એક શિક્ષકે તેમની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે ‘હું ૫૮ વર્ષનો છું અને થોડાક મહિનાઓમાં રિટાયર થવાનો છું. મને ૧૭ સ્કૂલોમાં ઑર્ડર્સ પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. એ કામ કરવામાં વચ્ચે મને ચક્કર આવી ગયાં હતાં. મારે વચ્ચેથી એ કામ છોડવું પડ્યું હતું. મારી જેમ અનેક લોકો છે જે નિવૃત્તિની નજીક છે, પણ ડ્યુટી આવી હોવાને કારણે તેમણે દોડવું પડે છે.’