13 September, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાત્રે એલ્ફિન્સ્ટન બ્રિજનું ડિમોલિશન શરૂ થઈ ગયું હતું (તસવીર: આશિષ રાજે)
એલ્ફિન્સ્ટન બ્રિજની જગ્યાએ બનનારા નવા એલિવેટેડ રોડના પ્લાનમાં ફેરફાર કરીને માત્ર બે જ બિલ્ડિંગ લક્ષ્મી નિવાસ અને હાજી નૂરાની ચાલ તોડવી પડશે અને એના ૮૩ રહેવાસીઓને નજીકનાં મ્હાડાનાં મકાનોમાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે એવી MMRDA દ્વારા ખાતરી આપવામાં આવ્યા બાદ પણ ગઈ કાલે રાતે જ્યારે એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવા ટ્રાફિક-પોલીસ, સ્થાનિક પોલીસ અને સરકારી ઑફિસરો ત્યાં પહોંચ્યા ત્યારે ફરી એક વાર રહેવાસીઓએ બ્રિજ તોડવાની મનાઈ કરતું વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસે તેમને એમ કરતાં રોક્યા હતા. પોલીસે બૅરિકેડ્સ લગાવ્યાં હતાં અને મોટા પ્રમાણમા પોલીસ-કર્મચારીઓ તહેનાત કર્યા હતા. JCBની મદદથી બ્રિજ પર બે લેનની વચ્ચે લગાડવામાં આવેલા કૉન્ક્રીટના હેવી રૉડ ડિવાઇડર ઉખેડી નાખવાની પ્રોસેસ શરૂ કરીને એ ડિવાઇડર તોડી પાડવામાં આવ્યાં હતાં.
અટલ સેતુ અને કોસ્ટલ રોડને કનેક્ટ કરવા બનાવવામાં આવી રહેલા એલિવેટેડ રોડ માટે એલ્ફિન્સ્ટન બ્રિજ અંતરાય રૂપ બની રહ્યો હતો. એના કારણે એ બ્રિજ તોડીને નવો બનાવવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેલવપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ લીધો હતો.
અત્યારનો બ્રિજ ૧૩ મીટર પહોળો છે એથી બન્ને તરફ ટ્રાફિક માટે દોઢ લેન જ મળી શકે છે. આ બ્રિજ તોડી પાડવાથી ડબલડેકર બ્રિજ બનાવવો શક્ય બનશે. એથી ઈસ્ટ-વેસ્ટના ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકશે. ડબલડેકર બ્રિજનો ૨X૨ લેનનો પહેલો બ્રિજ ઈસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગને વેસ્ટના સેનાપતિ બાપટ માર્ગને જોડશે, જ્યારે ડબલડેકરનો બીજો ૨X૨ લેનનો બ્રિજ અટલ સેતુને કોસ્ટલ રોડ, બાંદરા–વરલી સી-લિન્કને જોડશે.