સાયનનો રેલવે ઓવરબ્રિજ તોડવાનું પાછું ટળ્યું

28 March, 2024 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એ લોકસભાની ચૂંટણી પછી જ તૂટે એવી શક્યતા

તસવીર : આશિષ રાજે

એક સૈકા જૂનો સાયનનો રેલવે ઓવરબ્રિજ તોડી પાડવા માટે આજે ૨૮ માર્ચથી બંધ થવાનો હતો એ હાલ મુલતવી રહ્યું છે અને હવે એ લોકસભાની ચૂંટણી પછી જ તૂટે એવી શક્યતા જોવાઈ રહી છે.

મુંબઈમાં ૨૦ મેએ લોકસભાનું મતદાન છે. આ બ્રિજ બંધ કરવાથી સૌથી વધુ અસર ધારાવીના રહેવાસીઓને થવાની છે અને ધારાવી લોકસભાની ચૂંટણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે એમ છે. 
સાયન બ્રિજ તોડી પાડવા માટે બંધ કરવાની આ ત્રીજી તારીખ હતી અને આ વખતે પણ એ હવે મુલતવી રહ્યું છે. સૌથી પહેલાં ૨૦ જાન્યુઆરીમાં એ બ્રિજ તોડી પાડવાનું નક્કી થયું હતું. જોકે એ વખતે સ્થાનિક રહેવાસીઓ અને રાહુલ શેવાળેએ એનો વિરોધ કરતાં રેલવે ઓથૉરિટીએ એ ૨૮ ફેબ્રુઆરીથી બંધ કરવાનું નક્કી કર્યું હતું. જોકે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ હોવાથી એ મુલતવી રહ્યું અને છેવટે ૨૭ માર્ચ મધરાતથી એ બંધ કરવાનું નક્કી થયું હતું.

રેલવેલાઇનની ઉપરથી જતો આ બ્રિજ મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, ધારાવીને બાંદરા સાથે જોડતો મહત્ત્વનો કનેક્ટિંગ બ્રિજ છે. રેલવેએ એક સદી વટાવી ચૂકેલા આ બ્રિજને તોડીને નીચેથી પાંચમી અને છઠ્ઠી લાઇન પાસ થઈ શકે એવો નવો પહોળો બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે. 

sion indian railways mumbai mumbai news