સેન્ટ્રલ રેલવેએ માત્ર ચાર મહિનામાં ટિકિટ વગર પ્રવાસ કરનારાઓ પાસેથી ૭૧ કરોડનો દંડ વસૂલ્યો

22 October, 2021 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ૭૧ કરોડમાંથી ૧૧.૬૦ કરોડનો દંડ મુંબઈમાંથી વસૂલ કરવામાં આવ્યો હતો

ફાઈલ તસવીર

લૉકડાઉન અને અન્ય નિયંત્રણો વચ્ચે પણ રેલવે નાણાં રળવામાં સફળ રહી હોય એમ જણાઈ રહ્યું છે. સેન્ટ્રલ રેલવેએ માત્ર પૅસેન્જરોને દંડ ફટકારીને ચાર જ મહિનામાં ૭૧ કરોડની આવક રળીને બુધવારે ભારતીય રેલવેઝમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. આ ૭૧ કરોડમાંથી ૧૧.૬૦ કરોડનો દંડ મુંબઈમાંથી વસૂલ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવે દ્વારા સ્ટેશનો પર તથા ટ્રેનોમાં સઘન ટિકિટચેકિંગ હાથ ધરાયું હતું અને માત્ર એક દિવસમાં ૨૦.૧૩ લાખનો દંડ વસૂલાયો હતો.

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘પહેલી એપ્રિલ ૨૦૨૧થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન સબર્બન અને નૉન-સબર્બન ટ્રેનો (લાંબા અંતરની ટ્રેનો)માંથી ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓના ૧૨.૪૭ લાખ કેસ મળ્યા હતા અને તેમની પાસેથી વસૂલાયેલા દંડની કુલ રકમ ૭૧.૨૫ કરોડ થઈ હતી. તમામ ઝોનલ રેલવેની તુલનામાં આ રકમ સૌથી ઊંચી છે.’

આ ઉપરાંત ૧૭ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના ગાળા દરમિયાન ટિકિટચેકિંગ સ્ટાફની ખાસ ટીમોએ કોવિડ-૧૯ પ્રોટોકોલ્સનું પાલન ન કરનારા કુલ ૨૫,૬૧૦ કેસ નોંધ્યા હતા અને તેમની પાસેથી દંડ વસૂલ્યો હતો. પૅસેન્જરોએ માસ્ક ન પહેર્યા હોય એવા કુલ ૨૦,૫૭૦ કેસ હતા, જ્યારે કોવિડ ગાઇડલાઇન્સ અનુસાર પરવાનગી ન હોવા છતાં પ્રવાસ ખેડી રહેલા ૫,૦૪૦ કેસ પકડાયા હતા અને સેન્ટ્રલ રેલવે પર તેમને અનુક્રમે કુલ  ૩૪.૭૪ લાખ અને ૨૫.૨૦ લાખનો દંડ ફટકારાયો હતો.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘૧૮ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ સમગ્ર મુંબઈ ડિવિઝનનાં સ્ટેશનો અને ટ્રેનોમાં ૧૬૭ ટિકિટચેકિંગ સ્ટાફ અને ૨૦ આરપીએફ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન આશરે ૪,૦૦૦ કેસ માલૂમ પડ્યા હતા અને કુલ ૨૦.૧૪ લાખનો દંડ વસૂલાયો હતો.’

mumbai mumbai news central railway western railway mumbai local train