જૈનોની લડત રંગ લાવી : પુણેના જૈન બોર્ડિંગ હાઉસના વેચાણનો સોદો આખરે ડેવલપરે રદ કર્યો

28 October, 2025 09:23 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

જૈન સમુદાયની લાગણી દુભાતાં તેમ જ સોદાને રાજકીય રંગ આપવામાં આવતાં નિર્ણય લેવાયો

શુક્રવારે અનેક જૈન સંગઠનોએ બોર્ડિંગ પરિસરમાં એક મોટી બેઠક યોજી હતી

પુણેમાં જૈન બોર્ડિંગ હાઉસની જમીનખરીદીના વિવાદાસ્પદ સોદાને ગોખલે બિલ્ડર્સ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ડેવલપર વિશાલ ગોખલેએ શેઠ હીરચંદ નેમચંદ સ્મારક ટ્રસ્ટને ઈ-મેઇલ દ્વારા સોદો રદ કર્યાની જાણ કરી હતી તેમ જ અત્યાર સુધી આ જગ્યા ખરીદવા માટે મેસર્સ ગોખલે લૅન્ડમાર્ક્સ LLP દ્વારા ચૂકવાયેલા ૨૩૦ કરોડ રૂપિયા પાછા આપવાની માગણી કરી છે.

પુણેમાં મૉડલ કૉલોનીમાં આવેલી ૩.૫ એકર જમીનના સોદામાં તાજેતરમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના નેતા અને વિધાનસભ્ય રવીન્દ્ર ધંગેકરે કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળ પર આ સોદામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મુરલીધર મોહોળે આ સોદા સાથે કોઈ લેવાદેવા હોવાનો ઇનકાર કર્યો હતો.

વિશાલ ગોખલેએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે નૈતિક ધોરણે જમીનખરીદીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે અને એ વાત પર ભાર મૂક્યો હતો કે કંપનીનો ઇરાદો ક્યારેય જૈન સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

૮૬થી વધુ જૈન સંગઠનોનો વિરોધ, જમીન વ્યાવસાયિક ઉપયોગ માટે છે જ નહીં

શુક્રવારે અનેક જૈન સંગઠનોએ બોર્ડિંગ પરિસરમાં એક મોટી બેઠક યોજી હતી. બેઠક પછી જૈન આધ્યાત્મિક ગુરુ આચાર્ય ગુપ્તીનંદ મહારાજે ચેતવણી આપી હતી કે જો પહેલી નવેમ્બર સુધીમાં આ સોદો રદ કરવામાં નહીં આવે તો દેશભરના જૈન સમુદાયના સભ્યો ભૂખહડતાળ શરૂ કરશે. દેશભરનાં ૮૬થી વધુ જૈન સંગઠનોના પ્રતિનિધિઓએ ગોખલે બિલ્ડર્સ સાથેનો સોદો રદ કરવાની માગણી કરી હતી. જૈન સમુદાયે આ પ્રૉપર્ટીને વ્યાવસાયિક મિલકતમાં રૂપાંતરિત કરવાની યોજનાનો વિરોધ કર્યો હતો. ટ્રસ્ટ ૧૯૫૮થી આ મિલકતની માલિકી ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓ માટે જૈન બોર્ડિંગ હૉસ્ટેલ, ભગવાન મહાવીર દિગંબર જૈન મંદિર, ૨૪૦ વૃક્ષો, શ્રાવકોનાં નિવાસસ્થાન અને એક હૉલનો સમાવેશ થાય છે. તેથી તેમણે દલીલ કરી કે જમીનનો મૂળ હેતુ વ્યાપારી હતો જ નહીં એટલે આ સોદો રદ થવો જોઈએ. હાલમાં મિલકત હજી પણ ગોખલે બિલ્ડર્સના નામે છે. જ્યાં સુધી જમીન સત્તાવાર રીતે ટ્રસ્ટને પાછી ન મળે અને જૈન બોર્ડિંગ એની મૂળ કામગીરી ફરી શરૂ ન કરે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાની પક્ષકારોએ તૈયારી બતાવી હતી.

mumbai news mumbai pune news pune jain community maharashtra news