18 September, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાનગરપાલિકાના C વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજય ઇંગળેનું બહુમાન કરી રહેલા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પદાધિકારીઓ.
ભારત મર્ચન્ટ્સ ચેમ્બર સાથેની મીટિંગમાં મહાનગરપાલિકાના C વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરે આ નિર્દેશ આપતાં કહ્યું હતું કે જર્જરિત અને જૂની ઇમારતો, સાંકડી ગલીઓ અને પાર્કિંગના અભાવ જેવી સમસ્યાઓના નિરાકરણ માટે આ એક જ ઉકેલ છે તથા એના માટે મકાનમાલિકો અને ભાડૂતો બન્નેએ સંગઠિત થવું જરૂરી છે
સાઉથ મુંબઈના C વૉર્ડના કાલબાદેવીનો વિકાસ ફક્ત ક્લસ્ટર ડેવલપમેન્ટ દ્વારા જ થઈ શકે છે; અત્યારની જર્જરિત અને જૂની ઇમારતો, સાંકડી ગલીઓ અને પાર્કિંગનો અભાવ જેવી સમસ્યાઓનું નિરાકરણ ફક્ત ક્લસ્ટર ડેવલપમેન્ટ દ્વારા જ દૂર કરી શકાય છે; એ માટે મકાનમાલિકો અને ભાડૂતો બન્નેએ સંગઠિત થઈને આગળ આવવું પડશે એવો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના C વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજય ઇંગળેએ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરમાં કાપડના વેપારીઓ સાથેની મીટિંગમાં આપ્યો હતો.
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરમાં મંગળવારે કાલબાદેવીની સમસ્યાઓ પર ચર્ચાવિચારણા કરવા અને એનો ઝડપી ઉકેલ લાવવા માટે કાપડના વેપારીઓએ ચેમ્બરના હૉલમાં C વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજય ઇંગળે સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું. એમાં ચેમ્બરના પ્રમુખ મનોજ જાલાને કાલબાદેવીમાં નાગરી સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમાં તેમણે ફુટપાથ પર અતિક્રમણ, બિલ્ડિંગો વચ્ચેની હાઉસ ગલીઓની અસ્વચ્છતા અને પાર્કિંગની સમસ્યાઓ વગેરેને કારણે વેપારીઓ અને કાલબાદેવીમાં આવતા ગ્રાહકોને પડતી મુસીબતોની રજૂઆત કરી હતી.
એનો જવાબ આપતાં સંજય ઇંગળેએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી કાલબાદેવીની ઇમારતોનું રીડેવલપમેન્ટ થશે નહીં ત્યાં સુધી આ બધી સમસ્યાઓનું નિરાકરણ શક્ય નથી. ઇમારતોના રીડેવલપમેન્ટ માટે મકાનમાલિકો અને ભાડૂતોએ સાથે મળીને સરકાર સમક્ષ ક્લસ્ટર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લઈને આગળ આવવું પડશે. સરકાર ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે ઉચ્ચ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) પણ પૂરો પાડે છે.
કાલબાદેવી અને C વૉર્ડની ફુટપાથ પર અતિક્રમણ, હાઉસ ગલીઓની અસ્વચ્છતા અને પાર્કિંગની સમસ્યાઓના સંદર્ભમાં સંજય ઇંગળેએ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકા મોટા ભાગના વિસ્તારોમાંથી ગેરકાયદે ફેરિયાઓને દૂર કરી રહી છે તેમ જ પોલીસના સહયોગથી ગેરકાયદે પાર્કિંગ પણ દૂર કરવામાં આવી રહ્યું છે.’