દક્ષિણ મુંબઈની બેઠકને લઈને કોકડું વધુ ગૂંચવાયું

22 April, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી પણ BJP અને શિવસેના પોતપોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં

રાહુલ નાર્વેકર, મંગલ પ્રભાત લોઢા, મિલિંદ નાર્વેકર

દક્ષિણ મુંબઈ લોકસભાની બેઠકના ઉમેદવાર સંબંધી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાત્રે પક્ષના નેતાઓ સાથે મૅરથૉન બેઠક કરી હતી જેમાં તેમણે રાહુલ નાર્વેકર અને મંગલ પ્રભાત લોઢાને ચૂંટણી લડવાની તૈયારી કાયમ રાખવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. દેવેન્દ્ર ફડણવીસે તેમને બે દિવસમાં આ બેઠકનો નિર્ણય લેવાઈ જવાનું કહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના નેતા મિલિંદ નાર્વેકરને પોતાની બાજુએ કરીને ઉદ્ધવ ઠાકરે સામે મોટો પડકાર ઊભો કરવાના પ્રયાસ શરૂ કર્યા હોવાનું કહેવાય છે. ત્રણ-ચાર દિવસમાં તેમનો પક્ષપ્રવેશ કરીને મુખ્ય પ્રધાન મિલિંદ નાર્વેકરને દક્ષિણ મુંબઈ બેઠકની ઉમેદવારી આપી શકે છે એવી ચર્ચા શરૂ થઈ છે. આથી થોડા સમયમાં સમજૂતી થવાની ચર્ચા વચ્ચે કોકડું વધુ ગૂંચવાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને અગાઉની અખંડ શિવસેનાની યુતિમાં મરાઠી મતદારોની સંખ્યાના આધારે દક્ષિણ મુંબઈની બેઠક પરંપરાગત રીતે શિવસેનાને જ ફાળવવામાં આવી હતી. જોકે આ બેઠક પર BJPએ પણ દાવો કર્યો છે. આ લોકસભા-બેઠકમાં સામેલ મલબાર હિલ અને કોલાબા વિધાનસભાની બેઠકો BJP પાસે, મુંબાદેવી વિધાનસભા કૉન્ગ્રેસ પાસે, ભાયખલા વિધાનસભાની બેઠક શિંદેસેના પાસે તો વરલી અને શિવડી વિધાનસભાની બેઠક ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના પાસે છે.

mumbai news mumbai devendra fadnavis bharatiya janata party south mumbai Lok Sabha Election 2024 shiv sena