02 November, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં ગઈ કાલે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ કૅમ્પેન હેઠળની પદયાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મહાયુતિના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા સાથે કૉન્ગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષો દ્વારા દિહીના રામલીલા મેદાન સહિત દેશભરમાં આંદોલન કરવામાં આવ્યું એની સામે થાણેમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP) તથા મહાયુતિના સાથી પક્ષો દ્વારા લોકતંત્ર બચાઓ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સહિત મહારાષ્ટ્ર કૅબિનેટના અન્ય પ્રધાનો પણ હાજર હતા. આ યાત્રા દરમ્યાન સભાને સંબોધીને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ કૉન્ગ્રેસ અને ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) બ્લૉકના બધા જ પક્ષોની ઘોર ટીકા કરી હતી અને તેમણે દેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું રચ્યું હોવાનું કહ્યું હતું. આ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધકો પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કૉન્ગ્રેસને તેમણે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમ્યાન કરેલાં કૃત્યો યાદ દેવડાવ્યાં હતાં.
દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસે બંધારણ તથા લોકશાહી સાથે ચેડાં કર્યાં હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અને એનાં બગલબચ્ચાંઓએ દેશમાં લોકશાહી પતાવીને અરાજકતા ફેલાવવાનું કાવતરું રચ્યું છે. તેમની લડાઈ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નહીં, ભારત વિરુદ્ધ છે. ૧૯૭૫માં અલાહાબાદ હાઈ કોર્ટે ઇન્દિરા ગાંધીએ ભ્રષ્ટ રીતે ચૂંટણી જીતી હોવાનો ચુકાદો આપીને ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં. જોકે સુપ્રીમ કોર્ટે પણ તેઓ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી લોકસભામાં ભાષણ નહીં આપી શકે અને લોકસભામાં મતદાન પણ નહીં કરી શકે એવો ચુકાદો આપ્યો હતો.’
BJPએ લોકોને તેમના મૂળભૂત અધિકારો પાછા અપાવ્યા
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘૧૯૭૬માં બંધારણમાં સંશોધન બાદ લોકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતા. ત્યાર પછી મૂળભૂત અધિકારો માટે હાઈ કોર્ટમાં પણ જઈ શકાતું નહોતું. BJPની સરકાર આવી ત્યારે ફરી બંધારણમાં સંશોધન કરીને લોકોને મૂળભૂત અધિકારો પાછા અપાયા અને વડા પ્રધાનને બંધારણ હેઠળ લાવવામાં આવ્યા. આ લોકોની લડાઈ BJP સામે નહીં, બંધારણ વિરુદ્ધ છે. આ લોકો વોટચોર છે, બંધારણચોર છે.’
લોકશાહી અને કોર્ટને નષ્ટ કરવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું, તમે બંધારણ ચોરી કર્યું
આક્રમક અંદાજમાં દેખાયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ દ્વારા પહેલી જ વખત બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, સંશોધન કરવામાં આવ્યું હતું. ૧૯૭૦ પછી કોઈ પણ કોર્ટ વડા પ્રધાનની ચૂંટણી થઈ હોય એ વિશે કોઈ પણ આદેશ આપી શકે નહીં એવું સંશોધન કરવામાં આવ્યું હતું. બંધારણને તોડવામાં-મરોડવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ પહેલી વખત કૉન્ગ્રેસે લોકશાહીને પતાવવાનું કામ કર્યું હતું. તમે વોટ નહીં, બંધારણ જ ચોરી કરેલું છે. આ બંધારણ ચોરી કરનારા છે.’