24 July, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવિજા ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ૧૯ વર્ષની પુત્રી દિવિજા ફડણવીસે અત્યારે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન બાબતે પ્રતિક્રિયા આપતાં ગુરુવારે જણાવ્યું હતું કે, ‘શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવું એ લોકશાહીમાં નાગરિકોનો મૌલિક અધિકાર છે, પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા કે પોલીસ દ્વારા કરવામાં આવતી હિંસાને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં.’
વિદ્યાર્થી આંદોલન વિશે સતત પ્રતિક્રિયાઓ માગવામાં આવ્યા બાદ દિવિજાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોઈ પણ રાજકીય પક્ષ કે તેમની વિચારધારાને અંધશ્રદ્ધાપૂર્વક સમર્થન આપ્યા વિના નાગરિકોને શૈક્ષણિક સુધારાઓને ટેકો આપવા વિનંતી કરતાં દિવિજાએ લોકોને સલાહ આપી હતી કે ‘કોઈ પણ ચળવળને પોતાનું સમર્થન આપતાં પહેલાં અેનું નેતૃત્વ કરી રહેલા લોકોના ખરા ઇરાદાઓની સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. લોકશાહીમાં વિપક્ષે દેશનાં હિતોને ધ્યાનમાં રાખીને સરકારને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરવી જોઈએ, નહીં કે શાસક પક્ષને બદનામ કરવાના ઉદ્દેશ્યથી અેના દુશ્મન બની જવું જોઈએ.’