24 October, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુધવારે વર્ષા બંગલોમાં પત્ની અમૃતા સાથે મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસ. તસવીર : આશિષ રાજે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બેસતા વર્ષે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. એ વખતે એક પત્રકારે તેમને પૂછ્યું કે તમારું નામ દિલ્હીમાં કેન્દ્ર સરકાર માટે ચર્ચાઈ રહ્યું છે એવું જાણવા મળ્યું એનું શું છે? ત્યારે દેવેન્દ્ર ફડણવીસે બહુ જ ઠાવકાઈથી જવાબ આપતાં કહ્યું હતું કે ‘૨૦૨૯ સુધી તો હું મહારાષ્ટ્રમાં CM છું જ. હાલના સત્તાધારી પક્ષોની યુતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. મારું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર પૂરતું જ છે, દિલ્હી હજી દૂર છે.’
જોકે તેમના આ નિવેદન બાદ મુંબઈ કૉન્ગ્રેસના પદાધિકારી અને નેતા સચિન સાવંતે બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે ૨૦૨૯ સુધી મહારાષ્ટ્રનો CM રહેવાનો જ છું એમ કહીને એકનાથ શિંદેને સાનમાં સમજાવી દીધું છે કે તેઓ મુખ્ય પ્રધાન છે અને રહેશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘૨૦૨૯ સુધી મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPમાં કોઈ ફેરફાર થવાનો નથી. નવો ભાગીદાર પણ નહીં આવે અને હાલના ભાગીદારોની લેતીદેતી પણ થશે નહીં. મુંબઈમાં અમે મહાયુતિ તરીકે સાથે મળીને જ BMCની ચૂંટણી લડીશું.’