BKCના ડાયમન્ડ માર્કેટમાંથી ૩.૬૦ કરોડના હીરા લઈને નાસી ગયેલો ડિલિવરીબૉય રાજસ્થાનમાં ઝડપાયો, પણ ડાયમન્ડ્સ ગાયબ

14 June, 2026 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચોંકાવનારી ઘટના ૨૦ મેએ બની હતી. એ પછી આંગળિયા પેઢીના ૩૮ વર્ષના ગુજરાતી માલિકની ફરિયાદના આધારે BKC પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા ભારત ડાયમન્ડ બુર્સના એક વેપારીના ૩.૬૦ કરોડ રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયેલા આંગળિયા પેઢીના ડિલિવરીબૉય દિલીપધર ગોસ્વામીની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (યુનિટ-૮)ની ટીમે સઘન શોધખોળ આદરીને તેને રાજસ્થાનમાંથી ઝડપી લીધો છે. આ ચોંકાવનારી ઘટના ૨૦ મેએ બની હતી. એ પછી આંગળિયા પેઢીના ૩૮ વર્ષના ગુજરાતી માલિકની ફરિયાદના આધારે BKC પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસે પણ આરોપી સુધી પહોંચવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે ગુપ્ત માહિતી અને ટેક્નિકલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ કેસમાં માસ્ટમાઇન્ડ પોલીસને હાથ લાગ્યો નથી જેની શોધ ચલાવવામાં આવી રહી છે.

શું હતી ઘટના?
BKC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત ડાયમન્ડ બુર્સની એક કંપની દ્વારા હીરા સુરત મોકલવા માટે આંગળિયા પેઢીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પેઢીએ ૨૦ મેએ સાંજે સાડાપાંચ વાગ્યે દિલીપધર ગોસ્વામીને કીમતી પાર્સલ લેવા મોકલ્યો હતો. નિયમ અનુસાર આ પાર્સલ લઈને તેણે ઑપેરાહાઉસની મુખ્ય ઑફિસે પાછા આવવાનું હતું. જોકે ઘણા દિવસ સુધી તે મુંબઈ ન પહોંચતાં અને તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતાં શંકા દૃઢ બની હતી. ઑફિસના માલિકે તાત્કાલિક ડાયમન્ડ બુર્સના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં આરોપી ગેટ-નંબર ૮ પરથી પાર્સલ લઈને બહાર જતો દેખાયો હતો એના આધારે વિશ્વાસઘાત અને ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી.’

શું કહેવું છે ક્રાઇમ બ્રાન્ચનું?
ક્રાઇમ બ્રાન્ચ (યુનિટ-૮)ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં ધરપકડ કરાયેલા આરોપી દિલીપધર ગોસ્વામીને સ્થાનિક BKC પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી પાસેથી ચોરાયેલા હીરા હજી સુધી રિકવર થઈ શક્યા નથી. અમને શંકા છે કે આ સમગ્ર કૌભાંડ પાછળ અન્ય કોઈ મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) સામેલ છે જેની શોધખોળ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હીરાની પુનર્પ્રાપ્તિ અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતોને પકડવા માટે અમારી ટીમ આગળની તપાસ ચલાવી રહી છે.’

mumbai news mumbai bandra kurla complex mumbai police Crime News mumbai crime news