08 January, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરમાં ટોરેસની બહાર ગઈ કાલે ભેગા થયેલા રોકાણકારો. તસવીર : આશિષ રાજે
દાદર, કાંદિવલી, ભાઈંદર અને નવી મુંબઈના સાનપાડામાં ટોરેસ નામની કંપનીએ ઑફિસ શરૂ કરીને લોકોને ડાયમન્ડના દાગીના ખરીદવા સામે અઠવાડિયે છથી ૧૧ ટકા ઊંચું વ્યાજ આપ્યું હતું, જેને કારણે અસંખ્ય લોકોએ આ કંપનીમાં આઠ હજારથી એક કરોડ રૂપિયા સુધીની રકમનું રોકાણ કર્યું હોવાનું તેમ જ કંપનીએ રોકાણકારો લાવનારા એજન્ટોને ગોલ્ડ-ડાયમન્ડ જ્વેલરી, લક્ઝરી કાર અને ફ્લૅટ કમિશન તરીકે આપ્યાં હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. અત્યારે ટોરેસ કંપનીનો માલિક દુબઈ ભાગી ગયો હોવાની શક્યતા છે એટલે રોકાણકારોએ મોટી રકમ ગુમાવી, પણ એજન્ટોને બખ્ખાં થઈ ગયાં હોવાનું રોકાણકારોનું કહેવું છે.
ટોરેસના પલાયન થઈ ગયેલા માલિકો સામે ફરિયાદ નોંધીને શિવાજી પાર્ક પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. એક પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ કંપનીમાં રોકાણ કરવા માટે એજન્ટોને લાખો રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. કંપની દ્વારા રોકાણ કરનારાને અઠવાડિયે છથી ૧૧ ટકા વ્યાજ આપવાની સાથે એજન્ટને પણ વીસથી પચીસ ટકા જેટલું ઊંચું કમિશન આપવામાં આવ્યું હતું એટલે એજન્ટોએ અસંખ્ય લોકોનો સંપર્ક કરીને તેમને કંપનીમાં રોકાણ કરવાનું કહ્યું હતું. અમુક એજન્ટને ટોરેસે ગોલ્ડ-ડાયમન્ડના દાગીના, લક્ઝરી કાર અને ફ્લૅટ કમિશન તરીકે આપ્યાં હોવાનું જણાયું છે. કંપનીએ રોકાણકારોને નકલી દાગીના આપ્યા હતા, પણ એજન્ટોને સાચા દાગીના કમિશનપેટે આપ્યા હતા. આ એજન્ટો મારફત ટોરેસે અસંખ્ય રોકાણકાર મેળવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૪માં દાદરમાં પહેલી ઑફિસ શરૂ કર્યા બાદ નવી મુંબઈના સાનપાડા, ભાઈંદર અને તાજેતરમાં કાંદિવલીમાં પણ આલીશાન ઑફિસો શરૂ કરવામાં આવી હતી.
ટોરેસ કંપનીના ડિરેક્ટર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી
રોકાણકારોને અઠવાડિયે છથી ૧૧ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને અસંખ્ય લોકોના કરોડો રૂપિયા પડાવવાની ફરિયાદ મુંબઈના શિવાજી પાર્ક પોલીસે સોમવારે ટોરેસ નામની કંપનીના માલિક અને પદાધિકારીઓ સામે નોંધી હતી. આ મામલામાં પોલીસે ગઈ કાલે કંપનીના દક્ષિણ મુંબઈમાં આવેલા ઉમરખાડીમાં રહેતા ૩૦ વર્ષના ડિરેક્ટર સર્વેશ અશોક સુર્વે તથા ઉઝબેકિસ્તાનની બાવન વર્ષની રહેવાસી તાનિયા ક્ષસાતોવા અને રશિયાના ૪૪ વર્ષના રહેવાસી વૅલેન્ટિના ગણેશ કુમાર નામનાં બે એક્ઝિક્યુટિવની ધરપકડ કરી હતી. આ મામલામાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે વધુ ૭૦ રોકાણકરોએ ટોરેસ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. આ લોકોએ કંપનીમાં ૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.