કસ્ટમાઇઝ્ડ હૉર્નને લીધે કોસ્ટલ રોડની ટનલની કારમાં આગ લાગી?

17 July, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયરબ્રિગેડ પ્રાથમિક તપાસમાં આ તારણ પર પહોંચી છે

કોસ્ટલ રોડની ટનલમાં કાર બળી ગઈ હતી તે.

કોસ્ટલ રોડની ટનલની અંદર મારુતિ સુઝુકી ઇગ્નિસમાં આગ લાગી એ ઘટનાના ફાયર વિભાગના પ્રાથમિક રિપોર્ટમાં કારનું હૉર્ન કસ્ટમાઇઝ્ડ હોવાને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.
સાઉથ ઝોનના ડિવિઝનલ ફાયર ઑફિસર ઉમેશ પલાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે માલિક સુધીર નાયરનું નિવેદન નોંધ્યું ત્યારે તેણે કબૂલ્યું હતું કે કારના હૉર્નને કસ્ટમાઇઝ કરાયું હતું.

નિષ્ણાતોના મત મુજબ કસ્ટમાઇઝેશન કરતી વખતે વાયરિંગનું કામ ખામીયુક્ત થયું હોવું જોઈએ જે એન્જિનને અસર કરી શકે છે અને આગ લાગી શકે છે.’ જોકે ડિટેલ્ડ રિપોર્ટ આવતા હજી પાંચ દિવસની વાર લાગશે.

BMCએ હવે કોસ્ટલ રોડ ટનલમાં પ્રવાસ માટે ગાઇડલાઇન્સ બહાર પાડી
ઇમર્જન્સીમાં સુરક્ષિત રીતે વાહન રોકવું અને તાત્કાલિક એન્જિન બંધ કરવું જોઈએ.
ડ્રાઇવરોએ વાહનની અંદર ઇગ્નિશન કી છોડી દેવી જોઈએ.
ટનલમાં યુ-ટર્ન લેવાનો કે રિવર્સ આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ
ટનલમાં દર ૧૦૦ મીટર પર ઇમર્જન્સી ટેલિફોન ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે. આ ફોનનો ઉપયોગ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા અને કટોકટીની જાણ કરવા માટે કરવો.
સમગ્ર ટનલ દરમ્યાન અગ્નિશામક સાધનો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી શકાય.
ટનલની દીવાલો પર દર ૩૦૦ મીટર પર સ્થિત નજીકના 
ક્રૉસ-પૅસેજ તરફ જવાની સાઇનેજ છે.
મુસાફરોએ પૅનિક બારનો ઉપયોગ કરીને ક્રૉસ-પૅસેજ ડોર ખોલવો જોઈએ અને બાજુની ટનલમાં સુરક્ષિત રીતે જવું જોઈએ.
લોકોએ જમણી બાજુની દીવાલ નજીક રહીને બહાર નીકળવું.
ઇમર્જન્સી ઉકેલાયા બાદ ટ્રાફિકની સ્થિતિ સામાન્ય થઈ જાય પછી સૂચના મળે ત્યારે વાહનો પર પાછા ફરવું.

mumbai news mumbai Mumbai Coastal Road fire incident mumbai fire brigade