14 July, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુમુક્ષુ શ્રી યશ્વીબેન જલ્પાબેન નિલેશભાઈ મહેતા
સમગ્ર સંસારનો ત્યાગ કરીને ૫૯ આત્માઓ જેમના પાવન ચરણ-શરણમાં દીક્ષા અંગીકાર કરીને પોતાનું કલ્યાણ સાધી રહ્યા છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના શરણમાં ફરી વધુ એક આત્મા મુમુક્ષુ યશ્વી મહેતા દીક્ષા અંગીકાર કરવા થનગની રહ્યાં છે ત્યારે તેમની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો અવસર રવિવારે ૧૯ જુલાઈએ સવારે ૯ વાગ્યે ઘાટકોપરમાં આયોજિત કરવામાં આવ્યો છે.
પરમ ગુરુદેવની પાવન નિશ્રામાં છેલ્લાં ત્રણ વર્ષથી સાધક જીવનશૈલીમાં રહીને સંયમ જીવનની શિક્ષા લઈ રહેલાં બાવીસ વર્ષીય દીક્ષાર્થી યશ્વી મહેતાના દીક્ષા આજ્ઞા અર્પણ વિધિના આ અવસરે પૂજનીય સંત-સતીજીઓ, સમગ્ર મુંબઈના શ્રી સંઘો, શ્રેષ્ઠિવર્યો, મહાનુભાવો તેમ જ પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમે ઉપસ્થિત રહીને દેશ-વિદેશના હજારો ભાવિકો આ અવસરની અનુમોદના કરી ધન્ય બનશે.
આ અવસરે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે પ્રગટતાં દિવ્ય મંત્રધ્વનિની સાક્ષીએ મુમુક્ષુ દીકરીનાં માતા-પિતા જલ્પા નીલેશ મહેતા દીક્ષા આજ્ઞા પત્ર પર કેસર છાંટણે મંજૂરીનું આલેખન કરીને પરમ ગુરુદેવના પાવન હસ્તકમલમાં આજ્ઞા પત્રની અહોભાવપૂર્વક અર્પણતા કરીને વહાલસોયી સંતાનને શાસનના શરણમાં સમર્પિત કરશે.
આજ્ઞા અર્પણતાનો કાર્યક્રમ ભાનુશાલી બૅન્કવેટ, તિલક રોડ, ઘાટકોપર-ઈસ્ટ ખાતે યોજાશે.