કલ્યાણ-ડોમ્બિવલીમાં પાણીની ભયંકર તંગીથી હતાશ થયેલા શારીરિક રીતે અક્ષમ વૃદ્ધનો આત્મહત્યાનો પ્રયાસ

08 November, 2025 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાથી કલ્યાણ-ડોમ્બિવલીમાં પાણીની તંગીની ગંભીર સમસ્યા સપાટી પર આવી છે.

આત્મહત્યા કરવા ટેરેસ પર ચડેલા કાશિનાથ સોનાવણે

કલ્યાણ-ડોમ્બિવલી ગ્રામીણ વિસ્તારના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના રહેણાક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. ઘરમાં પીવાના પાણીના વાંધા થઈ ગયા છે. પાણીની આ ગંભીર સમસ્યાથી કંટાળીને ગઈ કાલે ડોમ્બિવલીના MIDCમાં રહેતા ૭૬ વર્ષના શારીરિક રીતે અક્ષમ કાશિનાથ સોનાવણેએ પોતાના મકાનની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ સમયે પાડોશમાં રહેતા એક સ્થાનિક યુવકનું ધ્યાન તેમના પર જતાં તેમને ઉગારી લેવામાં આવ્યા હતા. આ ઘટનાથી 
કલ્યાણ-ડોમ્બિવલીમાં પાણીની તંગીની ગંભીર સમસ્યા સપાટી પર આવી છે.

MIDCમાં ગુરુદેવ સોસાયટીમાં રહેતા કાશિનાથ સોનાવણેએ કહ્યું હતું કે ‘અમારા વિસ્તારની ઘણી ઇમારતોમાં છેલ્લા આખા અઠવાડિયાથી પાણીનું એક ટીપું નથી આવ્યું. પાણીના અભાવે અમે વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આ મુશ્કેલીથી કંટાળી જઈને આખરે મેં મરી જવાની કોશિશ કરી હતી, પણ અમારા પાડોશમાં રહેતા અનિલ શિંદેએ કૂદકો મારતાં પહેલાં મને પકડી પાડીને અટકાવ્યો હતો. પાણીની તંગીને કારણે હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. આ પહેલાં અમે પાણીની ભયંકર તંગીની ફરિયાદ કરવા MIDC ઑફિસ ગયા હતા ત્યારે અધિકારીઓએ અમને કોઈ જવાબ આપ્યો નહોતો.’

kalyan dombivali municipal corporation kalyan dombivli suicide mumbai mumbai news