22 January, 2025 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગલ પ્રભાત લોઢાની ફાઇલ તસવીર
રાજ્યના પ્રધાન મંગલ પ્રભાત લોઢાના બે પુત્રો વચ્ચે ‘લોઢા’ બ્રૅન્ડનેમનો ઉપયોગ કરવાના મુદ્દે ચાલી રહેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે. મોટા પુત્ર અભિષેક લોઢાની મૅક્રોટેક ડેવલપર્સ લિમિટેડ નામની કંપનીએ બૉમ્બે હાઈ કોર્ટમાં ઍપ્લિકેશન દાખલ કરીને નાના ભાઈ અભિનંદન લોઢાને કોઈ પણ સંજોગોમાં લોઢા બ્રૅન્ડનેમ વાપરવા પર રોક લગાવવાનું કહ્યું છે. કોર્ટે આ અરજીની સુનાવણી સોમવારે કરવાનું નક્કી કર્યું છે.
ગયા અઠવાડિયે મૅક્રોટેક ડેવલપર્સ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં અભિનંદન લોઢાની રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઑફ અભિનંદન લોઢા સામે વાંધો લઈને કહેવામાં આવ્યું છે કે લોઢા નામ વાપરવાનો ટ્રેડમાર્ક અમારી પાસે હોવાથી બીજું કોઈ એ વાપરી ન શકે.
કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુજબ ફૅમિલીમાં એવું નક્કી થયું હતું કે ૨૦૧૫ સુધી લોઢા ગ્રુપની તમામ કંપનીઓ લોઢા ટ્રેડમાર્ક વાપરી શકશે. જોકે ત્યાર બાદ એવું નક્કી થયું હતું કે લોઢા ગ્રુપમાંથી અભિનંદન લોઢા છૂટા થશે અને પોતાનો બિઝનેસ શરૂ કરશે.