નવા ડ્યુટી-અવર્સને કારણે વેસ્ટર્ન રેલવેના મોટરમેનોને કામ જ કામ! માત્ર ચાર કલાક જ આરામ

18 December, 2025 08:48 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લોકલની સર્વિસ ડિસ્ટર્બ થઈ શકે એવી ચીમકી આપી : ૪ કલાકના બ્રેકમાં ઘરે જઈને પાછા આવવાનું અશક્ય, ૫૪ જગ્યા ખાલી હોવાથી ૨૦ જણે કરવી પડી રહી છે ડબલ ડ્યુટી

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોને ઑપરેટ કરતા મોટરમેનોએ નવા ડ્યુટી-અવર્સ વિશે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ડ્યુટીના કલાકોના આ નવા શેડ્યુલને કારણે ઘણા મોટરમેને ડબલ શિફ્ટ કરવી પડે છે.

વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં મોટરમેનોની અનેક જગ્યાઓ ખાલી પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું. એને કારણે ડ્યુટી કરતા મોટરમેનો પર કામનો ભાર વધી ગયો છે. ગઈ કાલે ચર્ચગેટમાં મોટરમેનની લૉબીમાં આ સમસ્યાઓ વિશે ચર્ચા કરીને આગળ શું કરવું એ વિશે નિર્ણય કરવા માટે એક મીટિંગ થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમસ્યા ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે અને હવે જો સમયસર એનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સબર્બન રેલવે સર્વિસિસને પણ ડિસ્ટર્બ કરી શકે છે.
મોટરમેનોએ દાવો કર્યો હતો કે આ નવા ડ્યુટી-અવર્સને લીધે તેઓ પૂરતા આરામ વગર સતત કામ કરી રહ્યા છે. આ કારણે ડ્રાઇવિંગની ક્વૉલિટી પર અસર થઈ રહી છે અને સુરક્ષા વિશે સમસ્યા પણ સર્જાઈ શકે છે.

મોટરમેનની અછત છે એવું જણાવીને એક મોટરમૅને કહ્યું હતું કે ‘એક શિફ્ટ પૂરી કર્યા પછી અમને ૪ કલાકનો જ આરામ મળે છે, પછી તરત બીજી શિફ્ટમાં જવું પડે છે. નવા મોટરમેનની ભરતી થઈ રહી છે, પણ એ પ્રક્રિયા બહુ ધીમી ચાલી રહી છે અને આ પ્રૉબ્લેમ ઝડપથી વધી રહ્યો છે.’

૪ કલાકના બ્રેકમાં અમે ઘરે જઈને પણ પાછા નથી આવી શકતા એવી ફરિયાદ સાથે બીજા એક મોટરમૅને જણાવ્યું હતું કે ‘અમને ઘરેથી ટિફિન લઈને આવવાનું કહેવામાં આવ્યું છે. એને કારણે અમારું સ્ટ્રેસ પણ વધી રહ્યું છે અને લોકોની સુરક્ષા સાથે સમાધાન થઈ રહ્યું છે.’

બીજી તરફ વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે ૫૪ મોટરમેનની જગ્યા ખાલી હોવાથી ૨૦ જેટલા મોટરમેને ડબલ-ડ્યુટી કરવી પડે છે. આ સમસ્યાને ઉકેલવા રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા અસિસ્ટન્ટ લોકો પાઇલટ્સની ભરતી ચાલી રહી છે. આ ઉપરાંત મોટરમેનોનું પ્રમોશન પણ કરવામાં આવશે. ભરતી પૂરી થયા પછી કોઈએ ડબલ-ડ્યુટી નહીં કરવી પડે. અત્યારે મોટરમેનોની સુવિધા માટે ઘણાં લોકેશન્સ પર AC રૂમોની વ્યવસ્થા છે.’

mumbai news mumbai western railway columnists exclusive rajendra aklekar mumbai local train indian railways