24 August, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કલ્યાણ-ઈસ્ટ વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલમાં પ્રિસ્ક્રિપ્શન અને ફૂડના નિયમો સમજાવવા બાબતે થયેલા વિવાદ બાદ દરદીના પુત્ર દ્વારા ૪૧ વર્ષના ડૉક્ટર સાથે ગાળાગાળી કરી શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના શનિવારે રાત્રે બની હતી. કલ્યાણ પોલીસે આ મામલે આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિનીત દેશમુખ પોતાના પપ્પાની મેડિકલ તપાસ માટે હૉસ્પિટલના આઉટ પેશન્ટ્સ ડિપાર્ટમેન્ટ (OPD) ખાતે ગયો હતો. તપાસ બાદ તબીબ ડૉ. યોગેન્દ્ર જાયસવાલે જરૂરી દવાઓ લખી આપી હતી અને દવાઓના ડોઝ તથા રોજ શું જમવું એ વિશે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ડૉક્ટર પિતાના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હતા ત્યારે આરોપી વિનીતે અચાનક આક્રમક થઈને અભદ્ર ભાષાનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેણે ફૂડના નિયમો, ડ્રેસિંગના સમયપત્રક અને દવાની વિગતો વિશે વધુ સ્પષ્ટતાની માગણી સાથે ગાળો ભાંડી હતી અને OPD ચેમ્બરની અંદર જ તબીબનું ગળું પકડીને તેમના પર હુમલો કર્યો હતો. ઘટના સમયે ક્લિનિકમાં હજાર અન્ય દરદીઓ અને તેમનાં સગાંઓએ વચ્ચે પડીને તબીબનો બચાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રેએ કલ્યાણની એક હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સને માર માર્યો હતો.