09 November, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)એ મુંબઈની આર. એન. કૂપર મ્યુનિસિપલ જનરલ હૉસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટરો પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ ઘટના શુક્રવારે હૉસ્પિટલના કૅઝ્યુઅલ્ટી વૉર્ડમાં બની હતી, જ્યાં ડૉક્ટરો ગંભીર રીતે બીમાર દરદીને કાર્ડિયો-પલ્મનરી રિસસિટેશન (CPR) આપી રહ્યા હતા.
MARDએ બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું હતું કે ડૉક્ટરો દરદીનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે દરદીના સગાએ હિંસક બનીને તેમના પર શારીરિક હુમલો કર્યો હતો. ડૉક્ટરોના ચહેરા, છાતી અને પેટ પર વારંવાર માર મારવામાં આવ્યો હતો. હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડ્સ પણ ત્યાં હાજર હોવા છતાં તેમણે કશું કર્યું નહોતું.
MARD દ્વારા હુમલાખોરની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. સિક્યૉરિટી ગાર્ડ્સની નિષ્ફળતા માટે પણ પગલાં ભરવાની માગણી અસોસિએશને કરી હતી અને જો આ બાબતે કાર્યવાહી કરવામાં મોડું કરવામાં આવ્યું તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચેતવણી MARD દ્વારા આપવામાં આવી હતી.