ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવાની હવે જરૂર નથી

04 January, 2025 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક-પોલીસને DigiLocker અને mParivahan ઍપમાં અપલોડ કરવામાં આવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા ડૉક્યુમેન્ટ્સ બતાવશો તો ચાલશે

DigiLocker અને mParivahanના લોગો

આજના ડિજિટલ યુગમાં મોટા ભાગના લોકો ‌DigiLockerમાં તેમના મહત્ત્વના તમામ સરકારી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરીને રાખે છે. જોકે મુંબઈમાં ટ્રાફિક-પોલીસના અધિકારીને કે તેમના કર્મચારીને વાહનચાલક જ્યારે DigiLockerમાં અપલોડ કરેલું ડ્રાઇવિંગ લાઇસન્સ કે વેહિકલના બીજા ડૉક્યુમેન્ટ્સની કૉપી બતાવે છે ત્યારે તેઓ એને માન્ય નથી રાખતા અને ઈ-ચલાન પકડાવી દઈને કાર્યવાહી કરતા હોય છે.

આ બાબત મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારેના ધ્યાનમાં આવતાં તેમણે ગુરુવારે DigiLocker અને mParivahan મોબાઇલ ઍપ સંબંધી એક ઑર્ડર જાહેર કર્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના નોંધણી નંબર ઉપરાંત અન્ય ડૉક્યુમેન્ટ્સની ડિજિટલ કૉપી DigiLocker અને mParivahan મોબાઇલ ઍપમાં પોલીસને દેખાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આથી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગના વરિષ્ઠ અધિકારીથી લઈને ફરજ પરના તમામ પોલીસ કર્મચારીઓને સૂચિત કરવામાં આવે છે કે DigiLocker અને mParivahanમાં અપલોડ કરેલી ડિજિટલ કૉપી વાહનચાલક પોલીસની તપાસ વખતે બતાવે તો એ માન્ય રાખવી. આ સૂચનાની અમલબજાવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે.’

mumbai traffic police mumbai mumbai news