30 March, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અપહરણ કરવામાં આવેલા છ વર્ષના બાળકનો માનપાડા પોલીસે ત્રણ જ કલાકમાં હેમખેમ છુટકારો કરાવ્યો હતો.
ડોમ્બિવલી-ઈસ્ટમાં પીસવલી પરિસરમાં રહેતા બિઝનેસમૅન મહેશ ભોઈરનો છ વર્ષનો પુત્ર કૈવલ્ય ગઈ કાલે સવારે રોજની રિક્ષામાં ઘરેથી સ્કૂલ જવા નીકળ્યો હતો. રિક્ષાવાળા વીરેન પાટીલે થોડા સમય બાદ મહેશ ભોઈરને ફોન કરીને કહ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોએ કૈવલ્યનું અપહરણ કર્યું છે અને આ લોકો કોણ છે એ પોતે નથી જાણતો. રિક્ષાવાળાનો કૉલ આવ્યા બાદ મહેશ ભોઈરને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ કૉલ આવ્યો હતો જેમાં પુત્રનો છુટકારો કરવા માટે તેમની પાસે બે કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. બિઝનેસમૅને ડોમ્બિવલીની માનપાડા પોલીસમાં જઈને પોતાના પુત્રનું અપહરણ કરીને કેટલાક લોકોએ ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને રિક્ષાવાળા વીરેન પાટીલ પર શંકા હતી એટલે તેના પર નજર રાખીને તપાસ હાથ ધરી હતી. ત્રણેક કલાક બાદ શહાપુરમાંથી રિક્ષાવાળા વીરેન પાટીલ અને તેના એક સાથીને શોધી કાઢીને પોલીસે તેમની પાસેથી કૈવલ્ય ભોઈરનો છુટકારો કરાવ્યો હતો.
ડોમ્બિવલીના માનપાડા પોલીસ-સ્ટેશનની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓની સૂઝબૂઝથી બિઝનેસમૅન મહેશ ભોઈરના છ વર્ષના પુત્ર કૈવલ્યનો હેમખેમ છુટકારો થયો હતો અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલામાં વધુ ત્રણ આરોપી ફરાર છે. તેમને પકડવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. આરોપીઓએ બે કરોડ રૂપિયા જ કેમ માગ્યા હતા એની તપાસ પણ પોલીસ કરી રહી છે.