11 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજ
શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજના રજત મહોત્સવ વર્ષ નિમિત્તે રવિવારે ડોમ્બિવલીના હૉરાઇઝન હૉલમાં ગીત ગુંજન સાથેના એક સંગીતમય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યે શરૂ થયેલા આ પ્રોગ્રામમાં સમાજના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
મિની કચ્છ તરીકે ઓળખાતા ડોમ્બિવલીમાં આ સમાજના લોકોને એકસાથે લાવવા માટે અને તેમના કલ્યાણ માટે ૧૯૮૩માં શ્રી અરિહંત ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. સમયની સાથે-સાથે શ્રી અરિહંત ગ્રુપ વધુ મજબૂત બનતાં ૨૦૨૧માં આ ગ્રુપની શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજના નવા નામે એક સત્તાવાર NGO તરીકે સ્થાપના થઈ હતી.
શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજ દ્વારા ન નફો, ન નુકસાનના ધોરણે અનાજવિતરણ, વિદ્યાર્થીઓ માટે બુક-બૅન્ક, વડીલોની મનોરંજક પ્રવૃત્તિઓ માટે માવીત્ર જો મેડાવો, વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન સેન્ટર, સમાજની સંજીવની મેડિક્લેમ સુવિધા માટે પ્રીમિયમ કલેક્શન સેન્ટર, ઓછા ખર્ચે સ્વમાન લગ્ન, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ અને ટુર્નામેન્ટ, યુવાનો માટે ટ્રેકિંગ ઇવેન્ટ્સ, મહિલાઓના સર્વાંગી વિકાસ અને તેમના મનોરંજન માટે માટે મહિલા પાંખ, યુવાનો સમાજ સાથે જોડાય એ માટે યુવા પાંખ, કોરોના દરમ્યાન કોવિડ કૅર સેન્ટર જેવી અનેક કલ્યાણકારી અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ છેલ્લાં ૨૪ વર્ષથી અવિરતપણે ચાલુ જ છે. સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત આ ટીમ સૌના સહયોગ અને સથવારે સતત પ્રગતિના પથ પર આગળ વધતી રહી છે.