09 November, 2025 07:25 AM IST | Mumbai | Lalit Gala
પરમ પૂજ્ય સાધ્વી શ્રી માંગલ્યગુણાશ્રીજી મહારાજસાહેબ (સંસારી નામ મૌલીકુમારી મૈશેરી), દીકરા વીર સાથે તેનાં મમ્મી-પપ્પા ખ્યાતિ અને રાજેશ મૈશેરી
ડોમ્બિવલીનો હમ દો હમારે દોનો આખો પરિવાર સંયમપંથે
બહેનની દીક્ષા વખતે જ ભાઈને પણ ભાવ થયા, તેણે અમને જણાવ્યું અને અમે ત્રણેએ એકસાથે સંસારનો ત્યાગ કરવાનું નક્કી કર્યું
દીકરીએ સાડા-ત્રણ વર્ષ પહેલાં દીક્ષા લીધા બાદ હવે ડોમ્બિવલીના કુટુંબનાં બાકી રહેલાં સદસ્યો ભાઈ, મમ્મી અને પપ્પા પણ આત્માને મોક્ષના પંથે લઈ જવા માટે સંસારનો ત્યાગ કરીને સંયમપથ પર જઈ રહ્યાં છે.
ડોમ્બિવલી-વેસ્ટમાં રહેતા ૫૦ વર્ષના રાજેશ મૈશેરી, ૪૬ વર્ષનાં તેમનાં પત્ની ખ્યાતિ મૈશેરી અને તેમનો ૧૫ વર્ષનો પુત્ર વીર મૈશેરી ડોમ્બિવલીમાં દીક્ષા અંગીકાર કરશે.
મૂળ કચ્છના લાલા ગામના અને શ્રી કચ્છી દશા ઓસવાળ સમાજના મૈશેરી પરિવારની દીકરી મૌલીકુમારી ૧૫ વર્ષની ઉંમરે શ્રી અચલગચ્છ સમુદાયમાં દીક્ષા લઈને પરમ પૂજય સાધ્વી શ્રી માંગલ્યગુણાશ્રીજી મહારાજસાહેબ બન્યાં છે અને પ્રવચન-પ્રભાવક પરમ પૂજ્ય સાધ્વી શ્રી હિરણ્યગુણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા થયાં છે અને તેમનાં શિષ્યા શ્રી ભાવગુણાશ્રીજી મહારાજસાહેબને જીવન સમર્પણ કર્યું છે. હવે ખ્યાતિબહેન પણ દીક્ષા લીધા બાદ પરમ પૂજ્ય સાધ્વી શ્રી હિરણ્યગુણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા બનશે અને શ્રી ભાવગુણાશ્રીજી મહારાજસાહેબને જીવન સમર્પણ કરશે, જ્યારે રાજેશભાઈ અને તેમનો પુત્ર વીર મારવાડ રત્ન ગણીવર્ય પરમ પૂજ્ય શ્રી કમલપ્રભ મહારાજસાહેબના શિષ્ય બનશે. આમ દીક્ષા લીધા બાદ એક બાજુ માતા અને પુત્રી અને બીજી બાજુ પિતા અને પુત્ર સાથે મળીને સંયમજીવનમાં ધર્મ, તપ અને જ્ઞાનની આરાધના કરશે.
ડોમ્બિવલીમાં રહેતા રાજેશ મૈશેરી કૉસ્મેટિક અને પરફ્યુમના હોલસેલના બિઝનેસમાં હતા, જ્યારે ખ્યાતિબહેન છેલ્લાં ૧૦ વર્ષથી પોતાના ઘરે તેમ જ ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલા શ્રી સુવિધિનાથ જૈન દેરાસરની પાઠશાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત હતાં. તેમના પુત્ર વીરે પાંચમા ધોરણ સુધી ડોમ્બિવલીની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અને ત્યાર બાદ છઠ્ઠું-સાતમું ધોરણ નવસારીના તપોવન સંસ્કારધામમાંથી પાસ કર્યું છે.
ધર્મે જૈન પણ કર્મે અજૈન
પોતાને દીક્ષા લેવાનો વિચાર કઈ રીતે આવ્યો એ જણાવતાં રાજેશ મૈશેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જન્મથી હું ધર્મે જૈન હતો, પણ કર્મે અજૈન હતો. જૈન ધર્મ શું છે એ મને ખબર જ નહોતી. ઘરે ધર્મ પાળવા જેવું કઈ હતું જ નહીં. ૨૮ વર્ષ સુધી તો મને જૈનોના મહામંત્ર એવા નવકાર મંત્રની પણ ખબર નહોતી. ૨૮મા વર્ષે મારાં લગ્ન ખ્યાતિ સાથે થયાં. તેના આવ્યા બાદ ધર્મ શું છે, શા માટે આપણે એ કરવું જોઈએ, જૈન ધર્મ પ્રમાણે કઈ-કઈ વસ્તુઓ કે ક્રિયાઓ કરવાથી પાપકર્મ વધે, શું કરવાથી આ પ્રકારનાં પાપકર્મોથી બચી શકાય એ બધા વિશેની સમજ મને પડી હતી. એક મિત્ર સાથે જીવનમાં પ્રથમ વખત હું જૈન સાધ્વી શ્રી ભાવગુણાશ્રીજી મહારાજસાહેબને મળવા ગયો ત્યારે જ મેં આજીવન કંદમૂળ ન ખાવાની બાધા લઈ લીધી હતી. જૈન ધર્મને જાણ્યા બાદ ધર્મ પ્રત્યેનો મારો લગાવ વધી રહ્યો હતો. આ દરમ્યાન લૉકડાઉન વખતે ડોમ્બિવલી-ઈસ્ટના પાંડુરંગવાડી વિસ્તારમાં આવેલા શ્રી શ્રેયસ્કર પાર્શ્વભક્તિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી જગતશેખર વિજયજી મહારાજસાહેબ ચાતુર્માસઅર્થે પધાર્યા હતા. તેમનાં રાત્રિ-પ્રવચનો પણ થતાં હતાં. મેં તેમનાં ૯૯ રાત્રિ-પ્રવચનો અટેન્ડ કર્યાં હતાં. તેમનું છેલ્લું પ્રવચન ‘મનુષ્ય જીવનની દસ દુર્લભતા’ સાંભળ્યા બાદ મને લાગ્યું કે હું અમૂલ્ય એવો મનુષ્ય જન્મ વેડફી રહ્યો છું અને મારે મારા શરીર કરતાં આત્માના કલ્યાણ વિશે વિચારવું જોઈએ અને એ જ રાત્રે ઘરે આવીને મેં પત્નીને મારી દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી હતી.’
મમ્મી હયાત છે ત્યાં સુધી દીક્ષા નહીં
ખ્યાતિ મૈશેરી પાઠશાળાનાં શિક્ષક હોવાના નાતે જૈન ધર્મ વિશે ખૂબ જ જ્ઞાન ધરાવતાં હતાં. ‘મિડ-ડે’ને તેમણે કહ્યું હતું કે ‘અમારા ઘરમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો હતો. મારાં મમ્મી ખમ્માબહેન લોડાયા પણ ૨૩ વર્ષ સુધી પાઠશાળાનાં શિક્ષક રહી ચૂક્યાં છે. ૨૦૦૨માં મારાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ હું જૈન સાધ્વી શ્રી ભાવગુણાશ્રીજી મહારાજસાહેબ સાથે સંપર્કમાં હતી. ત્યાર બાદ મેં જૈનોલૉજીનો કોર્સ કર્યો જેમાં જૈન ધર્મ વિશે વધુ જાણવા મળ્યું અને દીક્ષા લેવાની ભાવના દૃઢ થતી ગઈ, પણ જ્યાં સુધી મમ્મી હયાત છે ત્યાં સુધી દીક્ષા નહીં લઉં એવો નિર્ધાર કર્યો હતો. આ સિવાય મારી ભાવના હતી કે મારા આવનારા પ્રથમ સંતાનને મારે સંસારની મોહમાયામાં નથી રાખવું, તેને હું જિન શાસનને સમર્પણ કરીશ. મારું પ્રથમ સંતાન મૌલી અને બીજું સંતાન વીર. તેમને બન્નેને મેં એક જૈન શ્રાવક અને શ્રાવિકા તરીકેના સંસ્કાર આપ્યા છે. તેમના પેટમાં મેં કંદમૂળ, કાચું પાણી કે હોટેલનું ખાવાનું પણ જવા દીધું નથી. ૨૦૨૧માં મારી માતાનું નિધન થયું હતું ત્યારે તેમના શરીરને મેં અગ્નિદાહ આપ્યો હતો. એ વખતે તેમના શરીરની રાખ હાથમાં લઈને મેં વિચાર્યું કે શરીર તો એમનેમ રાખમાં ખાખ થઈ જશે. મહામૂલ્યે મળેલો મનુષ્ય ભવ અને ઉત્તમ એવા જૈન ધર્મને મારે મોહમાયાયુક્ત સંસારમાં વેડફવા નથી અને ત્યારે જ મેં સંયમપંથે જવાનું નક્કી કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૨માં મારી ૧૫ વર્ષની દીકરી મૌલીની દીક્ષા થઈ હતી. તેની દીક્ષા વખતે જ તેના ભાઈ વીરને દીક્ષા લેવાના ભાવ થયા હતા અને તેણે આ વાત અમને જણાવી હતી અને ત્યારે જ અમે ત્રણેએ એકસાથે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.’
સંસારમાં રહીને મોક્ષમાર્ગ નહીં મળે
રાજેશભાઈ અને ખ્યાતિબહેનના પુત્ર વીરે દીક્ષા શા માટે લેવી છે એ વિશે જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બહેનની દીક્ષા થઈ ત્યારથી જ મને દીક્ષા લેવાના ભાવ હતા. સંસારમાં રહીને મોક્ષમાર્ગ નહીં મળી શકે. સંસાર પાપથી ભરેલો છે. ડગલે ને પગલે મોહમાયાના બંધનમાં બંધાવું અને નરકગતિ મેળવવી એના કરતાં સંયમપથ પર જઈને આત્માનો ઉદ્ધાર કરીને ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવી એ જ હવે મારા જીવનનું ધ્યેય છે.’
છેલ્લા આઠ મહિનાથી મૈશેરી ફૅમિલી રાજસ્થાનમાં ગુરુકુલવાસમાં હતી અને એ દરમ્યાન તેમણે અનેક વિહારો કર્યા છે. રાજેશભાઈએ પાંચ પ્રતિક્રમણ તેમ જ શ્રમણ સૂત્રનો અભ્યાસ કર્યો છે. ખ્યાતિબહેને પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ચાર કર્મ ગ્રંથ, વૈરાગ્ય શતક, શ્રમણ સૂત્રનો અભ્યાસ કર્યો છે; જ્યારે વીરે પાંચ પ્રતિક્રમણ, ચાર કર્મગ્રંથ, ભાષ્ય, ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય શતક, સંબોધ સિત્તરી ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, શ્રમણ સૂત્ર, જ્ઞાનસારનો અભ્યાસ કર્યો છે અને સાથે સંસ્કૃત ભાષા શીખી રહ્યો છે.
આજે દીક્ષા-મુહૂર્ત
શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોમ્બિવલીના પ્રમુખ કુલીનકાન્ત પીરે દીક્ષા વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અાજે અચલગચ્છાધિપતિ સાહિત્યદિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે કચ્છના વારાપધર ગામમાં જિનાલયના પુન: પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન આ ત્રણેય મુમુક્ષુઓને દીક્ષા-મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે. મુમુક્ષુ રાજેશભાઈ અને વીરના ગુરુ ગણીવર્ય પરમ પૂજ્ય શ્રી કમલપ્રભ મહારાજસાહેબ હાલ રાજસ્થાનમાં છે. તેમના મુંબઈ આવ્યા બાદ આ ત્રણેય મુમુક્ષુઓના દીક્ષા-મહોત્સવનું આયોજન શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોમ્બિવલીના નેજા હેઠળ ડોમ્બિવલીમાં કરવામાં આવશે.’