નવરાત્રિ બની અંતિમ રાત્રિ

03 October, 2022 01:07 PM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડમાં નવરાત્રિ રમવા આવેલા ડોમ્બિવલીના ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ

વૃષભ મંગે

મુલુંડમાં મિત્રો સાથે નવરાત્રિ રમવા આવેલો ડોમ્બિવલીનો ૨૫ વર્ષનો કચ્છી યુવાન એકાએક ગરબા રમતી વખતે અનકૉન્શિયસ થઈ ગયો હતો એટલે નવરાત્રિના આયોજકોએ તેને ઍમ્બ્યુલન્સની મદદથી એક સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યો હતો. ત્યાં તેને હાર્ટ-અટૅક આવતાં તેનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા પછી સાંજે ડોમ્બિવલીમાં તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

કચ્છના હમીરપર ગામનો અને ડોમ્બિવલી-વેસ્ટમાં ઘનશ્યામ ગુપ્તે રોડ પર આવેલા ત્રિમૂર્તિ પ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે રહેતો ૨૫ વર્ષનો વૃષભ લહેરીભાઈ મુરજીભાઈ મંગે શનિવારે ઑફિસથી છૂટ્યા બાદ મિત્રો સાથે મુલુંડ-વેસ્ટના યોજાતી નવરા​િત્ર રમવા આવ્યો હતો. રાત્રે ૧૧ વાગ્યે ચાલુ ગરબામાં વૃષભને ચક્કર આવ્યાં હતાં એટલે તે નીચે બેસી ગયો હતો. એટલે તેના મિત્રોએ તેને પાણી પીવડાવ્યું હતું. એ પછી પાછો તે રમવા લાગ્યો હતો. બે રાઉન્ડ પછી ફરી તેને ચક્કર આવ્યાં એટલે આયોજકોની ટીમની તેના પર નજર જતાં તેને ઇલાજ માટે તરત ઍમ્બ્યુલન્સમાં અદિતિ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતાંની સાથે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી તેની બૉડીને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ગઈ કાલે પોસ્ટમૉર્ટમ બાદ ડોમ્બિવલીના શિવમંદિર મુક્તિધામ ખાતે તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

વૃષભના કાકા મયૂરભાઈ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃષભનું એમબીએ ક્લિયર થઈ ગયું હતું અને હાલમાં તે બોરીવલીની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાનું અમને જાણવા મળ્યું છે.’

mumbai mumbai news navratri dombivli mulund mehul jethva