એક અનોખો સંકલ્પ: ડોમ્બિવલીની ૧૪ વર્ષની કચ્છી ટીનેજરે પાલિતાણામાં તેની ૯૯મી યાત્રા આંખો પર પાટા બાંધીને કરી

28 May, 2026 07:16 AM IST  |  Mumbai | Rohit Parikh

ડોમ્બિવલીની દિવિશા આવી જ રીતે પાલિતાણા ૯૯ યાત્રા કરવા ગઈ હતી. ત્યાં તેણે આંખે પાટા બાંધીને ૯૯મી યાત્રા કરી હતી

દિવિશા નાગડા

આપણા માનવદેહમાં દરેક ઇન્દ્રિયનું પોતાનું મહત્ત્વ છે. એમાં આંખનું પોતાનું અલગ મહત્ત્વ છે. એક વાર અનુભવ કરો કે આંખે પાટા બાંધીને પોતાના ઘરમાં જ હલનચલન કેવી રીતે કરી શકાય. વિચારવું પણ મુશ્કેલ છે. આવા સંજોગોમાં ડોમ્બિવલીની ૧૪ વર્ષની નવમા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતી દિવિશા નાગડાએ જૈનોના તીર્થ પાલિતાણાની ૯૯મી યાત્રા આંખે પાટા બાંધીને કરીને એક નવો રેકૉર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવે પૂર્ણ ૯૯ વખત શત્રુંજય એટલે કે પાલિતાણાની યાત્રા કરી હતી. જોકે આજના કાળમાં મનુષ્યનું આયુષ્ય એટલું ન હોવાથી જૈન સાધુ-સંતો સહિત ભાવિકો પાલિતાણાની ૯૯ યાત્રા કરે છે. તેઓ ૯૯ વખત ડુંગરના ૩૫૦૦થી ૩૭૫૦ દાદરા અંદાજે ૩.૫૦ કિલોમીટર ચાલીને યાત્રા કરે છે. એવા અનેક જૈન ભાવિકો ૯૯ વખત યાત્રા કરીને પુણ્યનું ઉપાર્જન કરે છે. છેલ્લાં ૨૦ વર્ષમાં ઉનાળાના વેકેશનમાં નાની વયનાં બાળકો ૯૯ યાત્રા કરવા જવા લાગ્યાં છે.

ડોમ્બિવલીની દિવિશા આવી જ રીતે પાલિતાણા ૯૯ યાત્રા કરવા ગઈ હતી. ત્યાં તેણે આંખે પાટા બાંધીને ૯૯મી યાત્રા કરી હતી. આ માહિતી આપતાં દિવિશા નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અનેક સાધુ-સંતો સહિતના ભાવિકો પાલિતાણાની એક યાત્રા એક-એક દાદર પર ખમાસણા આપીને આદીશ્વરદાદાના દરબારે પહોંચતા હોય છે. જોકે સોમવારે રાતના મને આંખે પાટા બાંધીને યાત્રા કરવાની ભાવના થઈ હતી. મેં મારી સાથે આવેલી મારી કઝિન ભૂમિ નાગડા સામે મારી ભાવના રજૂ કરી હતી. તેણે તરત જ મને સાથ આપવાની તૈયારી કરી હતી.’

દિવિશાએ તેની આંખે પાટા બાંધીને કરેલી યાત્રા માટે વધુમાં કહ્યું હતું કે ‘મારા માટે આ કામ થોડું મુશ્કેલ હતું, કારણ કે હું મારા જીવનમાં પહેલી વાર આ બધું કરી રહી હતી. તેથી એ થોડું મુશ્કેલ લાગ્યું, પણ મારી કઝિન સિસ્ટરના ટેકાથી એ શક્ય બન્યું હતું. ભૂમિએ મારી યાત્રામાં મને ખૂબ મદદ કરી. તેના વિના એ બિલકુલ શક્ય નહોતું. એ મદદ માટે તેનો ખૂબ આભાર. પછી જ્યારે મેં આંખ પર પટ્ટી હટાવી ત્યારે પહેલો આદિનાથદાદાનો ચહેરો જોયો અને એ ક્ષણે હું ભાંગી પડી હતી. હું ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી, કારણ કે આ રીતે ડુંગર ચડીને યાત્રા કરવી સહેલી નહોતી. એમાં ઘણા ઉતાર-ચડાવ હતા, પણ હું મજબૂત રહીને આદિનાથદાદાએ લીધેલી દરેક પરીક્ષામાં પાસ થઈ હતી.’

mumbai news mumbai jain community kutchi community religious places culture news dombivli