આજના રાજકારણીઓના પગે ન લાગવું જોઈએ, કારણ કે તેઓ એને લાયક નથી

04 April, 2025 06:56 AM IST  |  Beed | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બીડ ગયેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને કાર્યકરોને કહ્યું...

અજીત પવાર

રાજ્યમાં રાજકારણનું સ્તર છેલ્લા થોડા સમયથી બહુ જ નીચે જતું રહ્યું હોવાથી રાજકારણીઓની સામે જે માનથી લોકો જોતા હતા એમાં પણ ફરક પડી ગયો છે ત્યારે આ વાતનો આડકતરી રીતે સ્વીકાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ ગઈ કાલે કર્યો હતો.

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ અજિત પવાર ગઈ કાલે બીડ જિલ્લાની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ આખો દિવસ રહ્યા હતા, પણ ત્યાંના વિધાનસભ્ય અને તેમની પાર્ટીના નેતા ધનંજય મુંડે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સાથે જોવા નહોતા મળ્યા. તબિયત સારી ન હોવાથી તેઓ અજિત પવારના એક પણ કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા એવું રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે મંગળવારે રાત્રે તેઓ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પાસે ફૅશન શોમાં હાજર રહ્યા હતા. તેમની દીકરી વૈષ્ણવી મુંડેએ આ ફૅશન શોમાં ભાગ લીધો હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીડની મુલાકાત દરમ્યાન અજિત પવારને કાર્યકરોએ હાર પહેરાવ્યા, મેમેન્ટો તેમ જ શાલ આપ્યાં હોવાથી આના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ‘મને કંઈ નહીં આપો. મને તમારા પ્રેમ અને આદરની જરૂર છે. મારા પગે પણ નહીં પડો. આજના રાજકારણીઓ એને લાયક નથી. મારાં માતા-પિતા અને કાકાના આશીર્વાદથી હું સારું કામ કરી રહ્યો છું.’

mumbai news mumbai beed maharashtra news maharashtra political crisis political news ajit pawar nationalist congress party