નવી મુંબઈમાં હવે દવાઓની ડિલિવરી થશે ડ્રોન દ્વારા

24 September, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એપોલો હૉસ્પિટલે કર્યું સફળ ટ્રાયલ

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી તમે ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ અને દવાઓના છંટકાવ માટે કરવામાં આવે છે તે વિશે સાંભળ્યું હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે ડ્રોનનો ઉપયોગ દવા પહોંચાડવા માટે પણ થશે. નવી મુંબઈ શહેરમાં તેની શરુઆત થશે. મેડિકલ ક્ષેત્રમાં આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ પ્રયોગથી દવા માત્ર થોડીવારમાં દર્દી સુધી પહોંચી જશે. એપોલો હૉસ્પિટલે સફળ પરીક્ષણ કર્યું છે અને નવી મુંબઈમાં ટુંક સમયમાં આ સેવા શરુ થશે.

એપોલો હૉસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની જરૂરી મંજૂરી બાદ નવી મુંબઈમાં ડ્રોન દ્વારા દવાની ડિલીવરીની સુવિધા શરૂ કરવામાં આવશે. આ સુવિધા મારફતે, કટોકટીની પરિસ્થિતિઓમાં દૂરસ્થ વિસ્તારોમાં ડ્રોન મારફતે જરૂરી દવાઓ માત્ર થોડીવારમાં મોકલી શકાશે. તેલંગણામાં સફળતાપુર્વક આ પ્રયોગ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં સપ્ટેમ્બર મહિનામાં એપોલો હૉસ્પિટલોની ૩૫મી વર્ષગાંઠના પ્રસંગે અકસ્માત સ્થળ અથવા આપત્તિની પરિસ્થિતિમાં જીવન બચાવનાર ઇએમએસ રિસ્પોન્સ ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇએમએસ ડ્રોનના ટ્રાયલમાં તેની ક્ષમતાઓ દેખાડવામાં આવી હતી. જેના પર અનમેન્ડ એરિયલ વેહીકલ્સ (UAV) અકસ્માત અને આપત્તિના સમયમાં તાત્કાલિક સારવાર આપવા માટે કામ કરે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જરુરિયાતમંદ લોકો સુધી ડ્રોન મેડિકલ દવાઓ પહોંચાડશે. એક ડ્રોન દ્વારા ૧૨ કિલો સુધીની દવાઓ અને વૅક્સિન સરળતાથી પહોંચાડી શકાશે. હવામાં પાંચસો મીટરની ઉંચાઈ પર ઉડતું ડ્રોન માત્ર પાંચ મિનિટમાં છ કિમીથી વધુનું અંતર કાપશે.

mumbai mumbai news