22 November, 2025 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગયા અઠવાડિયે ૧૩ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધીમાં કસ્ટમ્સે કરેલી અલગ-અલગ કાર્યવાહી અંતર્ગત દાણચોરી કરીને લાવવામાં આવેલું સોનું, હીરા અને ડ્રગ્સ પકડી પાડ્યાં હતાં. આ પૅસેન્જરો પાસેથી કુલ મળીને ૫૩ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.
કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ૭ અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરીને ૨૫.૩૧૮ કિલો હાઇડ્રોપોનિક વીડ (પાણીમાં ઉગાડેલો ગાંજો) પકડી પાડ્યો હતો. આ સંદર્ભે ઘણા પૅસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. એ હાઇડ્રોપોનિક વીડની કિંમત ૨૫.૩૧ કરોડ રૂપિયા થાય છે. એ સિવાય બીજા ૭ કેસમાં ૨૬.૯૮૧ કિલો હાઇડ્રોપોનિક વીડ સાથે ૮ જણની ધરપકડ કરવામાં આવી હતી.
આ જ અરસામાં ૪ કેસ સોનાની દાણચોરીના પણ થયા હતા. કસ્ટમ્સ ઑફિસરોએ ૬૫.૫૭ લાખ રૂપિયાનું ૨૪ કૅરૅટનું ૫૫૧ ગ્રામ સોનું ૪ પૅસેન્જર પાસેથી જપ્ત કર્યું હતું.
બીજા એક કેસમાં કસ્ટમ્સ અધિકારીઓએ ૪૬૯.૭૫ કૅરૅટના ડાયમન્ડ જેમાં ૪૩.૫ કૅરૅટ નૅચરલ ડાયમન્ડ અને ૪૨૬.૩૨૫ કૅરૅટ લૅબગ્રોન ડાયમન્ડનો સમાવેશ થતો હતો એની દાણચોરી પકડી પાડી હતી. બન્ને પ્રકારના ડાયમન્ડ મળીને એની કુલ કિંમત ૫૪.૧૩ લાખ રૂપિયા થાય છે. એ ડાયમન્ડ પૅસેન્જરે તેના શરીરની અંદર છુપાવ્યા હતા. પૅસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.