01 December, 2025 09:16 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
જીવ ગુમાવનાર સત્યેન્દ્ર મંડલ અને કચ્ચરઘાણ થઈ ગયેલી કાર.
પુણેમાં ડ્રન્કન ડ્રાઇવિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એમાં વૅલે-પાર્કિંગના કર્મચારીનું કરુણ મૃત્યુ થયું હતું. કલ્યાણીનગર વિસ્તારમાં ટોઇટ રેસ્ટારાંમાં ફુલ સ્પીડમાં ઘૂસેલી કારના ડ્રાઇવરે વૅલે કાર-પાર્કિંગની સુવિધા આપવા માટે ત્યાં ઊભેલા કર્મચારીને અડફેટે લીધો હતો. કારની ટક્કરથી તે કર્મચારી કેટલાય ફુટ દૂર સુધી ફંગોળાઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. લોકોએ કારના ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. કારનો ડ્રાઇવર એ સમયે દારૂના નશામાં હોવાનું ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું. જીવ ગુમાવનાર કર્મચારીની ઓળખ સત્યેન્દ્ર મંડલ તરીકે થઈ હતી.
આ ઘટના ગઈ કાલે બપોરે સાડાત્રણ વાગ્યે બની હતી. કાર ચલાવી રહેલી વ્યક્તિ ફુલ સ્પીડમાં હોટેલના કમ્પાઉન્ડમાં આવી હતી. એ વખતે ડ્રાઇવરે કાર પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને કર્મચારીને ટક્કર મારી હતી. સાથી કર્મચારીઓ સત્યેન્દ્રને લોહીલુહાણ હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સંદર્ભે યેરવડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.