દારૂના નશામાં ગુજરાતી યુવતીએ લગાવ્યાં ત્રણ પોલીસ-સ્ટેશનને ધંધે

25 September, 2021 02:17 PM IST  |  Mumbai | Rohit Parikh

૪૩ વર્ષની પિન્કી મર્ચન્ટ પીધેલી હાલતમાં રિક્ષામાં બેઠા બાદ ક્યાં જવું છે એ કહેતી ન હોવાથી કંટાળીને રિક્ષા-ડ્રાઇવર તેને માનખુર્દ પોલીસ સ્ટેશન મૂકી આવ્યો. ત્યાર બાદ પોલીસે તેનું ઘર શોધવા માટે ડી. એન. નગર અને બાંદરા પોલીસને પણ કામ લગાવી, પણ છેવટે...

પિન્કી મર્ચન્ટ (ડાબે)ને તેનાં માસીને સોંપી રહેલાં નિર્ભયા પથકનાં પોલીસ અધિકારી સુપ્રિયા પવાર (વચ્ચે).

ઘર છોડીને ભાગી જવું કે માનસિક રીતે અક્ષમ હોવાથી કે ફિલ્મ-ઍક્ટરના ચક્કરમાં અનેક યુવતીઓ અને મહિલાઓ મુંબઈના રોડ પર રાત-દિવસ રઝળપાટ કરતી કે રખડતી દેખાય છે, પરંતુ આ જ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આ મહિનામાં બનેલા  ઘૃણાસ્પદ નિર્ભયાકાંડ પછી મુંબઈમાં સક્રિય બનેલી નિર્ભયા પથક ટીમ છેલ્લા દસ દિવસથી એકદમ સક્રિય બની ગઈ છે. નિર્ભયા પથક ટીમની રોજ એકાદ કામગીરી પ્રકાશમાં આવે છે, જેમાં રસ્તામાં ભટકી ગયેલી મહિલાઓ કે યુવતીઓનું મુંબઈની મહિલા પોલીસ તેના પરિવારજનો સાથે મિલન કરાવે છે.

આવા જ એક બનાવમાં વાશીમાં તેનાં માસીના ઘરે રહેવા ગયેલી દારૂના નશામાં ધૂત ૪૩ વર્ષની એક ગુજરાતી મહિલાએ મુંબઈનાં ત્રણથી વધુ પોલીસ સ્ટેશનોની નિર્ભયા પથકની ટીમને કામે લગાડી દીધી હતી. આ મહિલાનો તેના રિલેટિવ સાથે મિલાપ કરાવવા માટે નિર્ભયા પથકને સાત કલાકની ભારે જહેમત ઉઠાવી પડી હતી.

આ બનાવ બુધવાર, ૨૨ સપ્ટેમ્બરે બન્યો હતો. પિન્કી મર્ચન્ટ નામની એક ગુજરાતી મહિલાએ નવી મુંબઈના વાશીથી સવારે દસ વાગ્યે રિક્ષા પકડી હતી. રિક્ષા-ડ્રાઇવર ૪૪ વર્ષનો જાવેદ મોહમ્મદ શેખ પિન્કીને વાશીથી માનખુર્દ સુધી લઈને આવ્યો હતો, પરંતુ દારૂના નશામાં ધૂત પિન્કી મર્ચન્ટ ક્યાં જવું છે એ જાવેદ શેખને બતાવી શકી નહોતી. આથી હેરાન-પરેશાન થયેલો જાવેદ શેખ પિન્કીને માનખુર્દ પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો, જ્યાં તેમે પિન્કીને ડ્યુટી પોલીસ અધિકારી ગૌરવ જગતાપને સોંપી દીધી હતી. ગૌરવ જગતાપે પિન્કીને તેના ઘરે પહોંચાડવા માટે નિર્ભયા પથકની સહાય લીધી હતી.

આ બાબતની માહિતી આપતાં માનખુર્દ પોલીસ સ્ટેશનની નિર્ભયા પથક ટીમનાં પોલીસ અધિકારી સુપ્રિયા પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પિન્કી દારૂના નશામાં એટલી બધી ખરાબ હાલતમાં હતી કે તે અમને તેના રિલેટિવ્ઝ વિશેની કોઈ માહિતી આપી શકી નહોતી. આથી અમે રિક્ષા-ડ્રાઈવર જ્યાંથી તેને લઈ આવ્યો હતો એ જગ્યાએ પિન્કીને લઈને તપાસ કરવા ગયા હતા, પરંતુ ત્યાં કોઈ જ પિન્કીને ઓળખતું નહોતું. આ પહેલાં ત્યાંના કોઈ રહેવાસીએ પિન્કીને જોઈ નહોતી.’

આથી અમે પિન્કીને પોલીસ સ્ટેશનમાં પાછી લઈ આવ્યા હતા એમ જણાવીને સુપ્રિયા પવારે કહ્યું હતું કે ‘અમે પોલીસ સ્ટેશનમાં લાવીને તેનું પર્સ ચેક કરતાં અમને પર્સમાં તેનું આધાર કાર્ડ મળ્યું હતું. એમાં પિન્કીનું ઍડ્રેસ મહાત્મા ગાંધી હૉસ્પિટલ, અંધેરી-વર્સોવાનું હતું. આથી અમે ડી. એન. નગર પોલીસ સ્ટેશનને પિન્કીના ઍડ્રેસ પર જઈને તેના કોઈ રિલેટિવને શોધવા કહ્યું હતું. જોકે ડી. એન. નગર પોલીસ ત્યાંથી ખાલી હાથે પાછી ફરી હતી. એ ઍડ્રેસ પર આવી કોઈ મહિલા પાંચ વર્ષથી રહેતી નથી એવી જાણકારી મળી હતી. ત્યાં તેના કોઈ રિલેટિવ પણ રહેતા નહોતા.’

ત્યાર પછી પિન્કી થોડી ભાનમાં આવી ત્યારે તેણે અમને તેની દીકરી બાંદરામાં રહે છે એવી માહિતી આપી હતી. એ જાણકારી આપતાં સુપ્રિયા પવારે કહ્યું હતું કે ‘પિન્કી તેની દીકરી બાંદરામાં ક્યાં રહે છે એ અમને સમજાવી શકી નહોતી. આથી અમે બાંદરા પોલીસ સ્ટેશનમાં કોઈ મિસિંગ મહિલાની ફરિયાદ છે કે નહીં એ તપાસ કરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. અમને બાંદરા પોલીસ સ્ટેશનની મિસિંગ પથકની મહિલા અધિકારી દીપા શિંદેએ તપાસ કરીને કહ્યું હતું કે અમારી પાસે કોઈ છોકરીએ તેની મા ખોવાઈ ગઈ હોય એવી કોઈ જ ફરિયાદ થઈ નથી. આથી અમે ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં પિન્કીને મેડિકલ માટે લઈ ગયા હતા. અમને એક મહિલાને રસ્તા પર છોડી દેવાનું અનુચિત લાગ્યું હતું. અમે તેને રસ્તા પર એકલી મૂકી દઈએ તો તેની સાથે કાલે કોઈ અણબનાવ કે દુર્વ્યવહાર પણ બની શકે છે. એેટલે અમે ફરીથી તેને પ્રેમથી સમજાવીને અમારા વિશ્વાસમાં લેવાની પ્રકિયા શરૂ કરી હતી.’

આખરે છેક બુધવારે સાંજના અમારી નિર્ભયા પથકની એક મહિલા અધિકારીને તેની પાસેથી તેના રિલેટિવ વિશેની માહિતી મેળવવામાં સફળતા મળી હતી એમ જણાવતાં સુપ્રિયા પવારે કહ્યું હતું કે ‘અમારી ભારે જહેમત પછી પિન્કીએ અમને વાશીમાં તેનાં માસી રહે છે એમ જણાવ્યું હતું અને તેમનું સરનામું આપ્યું હતું. તરત અમારી ટીમ વાશીની અપોલો હૉસ્પિટલની સામે પિન્કીનાં માસીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાંથી અમને ત્યાંની એક વ્યક્તિ મારફત જાણવા મળ્યું કે પિન્કી તેનાં માસી ૫૦ વર્ષનાં કમલા સિંહને ત્યાં ચાર-પાંચ દિવસથી આવી હતી. આથી અમે તેનાં માસી કમલા સિંહને મળ્યા હતા. તેણે અમને કહ્યું હતું કે પિન્કી તેમના ઘરે નોકરી શોધવા માટે ચાર-પાંચ દિવસથી આવી હતી. જોકે તે તેમના ઘરેથી મંગળવારે સાંજના પાંચ વાગ્યે નીકળી ગઈ હતી. ત્યાર પછી તેના કોઈ સમાચાર નહોતા. તેની પાસે મોબાઇલ ન હોવાથી તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમને એમ હતું કે પિન્કી કોઈ બીજા રિલેટિવને ત્યાં રહેવા ગઈ હશે.’

પિન્કી પાસેથી બીજાં કોઈ સગાંસંબંધી વિશે જાણકારી મળી નહોતી એમ જણાવીને સુપ્રિયા પવારે કહ્યું હતું કે ‘સાત કલાકની જહેમત પછી અમે તેનાં માસીની પૂરતી તપાસ કર્યા પછી અને અમારી પાસે પિન્કીના કોઈ અન્ય રિલેટિવના નંબરો ન હોવાથી પિન્કીને સુરક્ષિત રીતે તેનાં માસીને સોંપી દીધી હતી. પિન્કીનાં માસી કમલા સિંહે પિન્કીને તેમના સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પોલીસની નિર્ભયા પથકનો આભાર માન્યો હતો.’ 

સુપ્રિયા પવારે વધુમાં કહ્યું હતું કે ‘અમને અમારી તપાસમાં પિન્કીએ કહ્યું હતું કે તે તેનાં માસીના ઘરેથી નીકળ્યા પછી તેના અંગત ટેન્શનમાં વાશી સ્ટેશન પર જ બેસી રહી હતી અને બુધવારે સવારે તેણે દારૂનો નશો કર્યો હતો. એને પરિણામે તે પોલીસને કોઈ પણ પ્રકારની માહિતી આપી શકી નહોતી.’

અન્ય એક સફળતા

માનખુર્દ પોલીસની નિર્ભયા પથકની ટીમે ગઈ કાલે ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પરથી મળેલી ૨૧ વર્ષની એક યુવતીનો તેનાં માતા-પિતા સાથે ભેટો કરાવી આપ્યો હતો. સાતારાથી આવેલી માનસિક રીતે અક્ષમ યુવતી તેનાં માતા-પિતાથી છૂટી પડી ગઈ હતી. નિર્ભયા પથકની ટીમની સંજીવની વ્હટ્ટેએ તેનાં માતા-પિતાને શોધીને તેમની દીકરી સોંપી દીધી હતી.

mumbai mumbai news mankhurd bandra mumbai police rohit parikh