20 August, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઘાટકોપર રેલવે-સ્ટેશન પર મંગળવારે સાંજે પીક અવર્સ દરમ્યાન એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કુર્લા સ્ટેશનથી લોકલ ટ્રેનમાં ચડવા માટે જગ્યા ન મળતાં ૨૯ વર્ષનો આકાશ ખરાત દારૂના નશામાં ટ્રેનની છત પર ચડી ગયો હતો. ટ્રેન જ્યારે ઘાટકોપર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૩ પર ઊભી હતી ત્યારે સાંજે આશરે ૬.૩૩ વાગ્યે યુવક ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં જોરદાર ધમાકા સાથે શૉક લાગ્યો હતો. શૉક લાગ્યા બાદ યુવક ટ્રેનની છત પર જ પડી ગયો હતો. ઘટના સમયે સ્ટેશન પર તહેનાત કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ત્વરિત કાર્યવાહી કરી હતી. ઓવરહેડ વાયરનો વીજપુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો અને સીડી, સ્ટ્રેચર તેમ જ મુસાફરોની મદદથી યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. આ યુવાન સામે ઘાટકોપર રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તા ખુપેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈજાગ્રસ્ત યુવકની ઓળખ દિવા-ઈસ્ટમાં રહેતા આકાશ ખરાત તરીકે થઈ છે. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટ્રૉમા વૉર્ડમાં તેની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેને માથામાં ઈજા પહોંચી છે અને છાતી તેમ જ પેટના ભાગે ૪૫ ટકા સુધી દાઝી ગયો છે. આ દુર્ઘટનાને કારણે વિદ્યાવિહાર અને કાર્જુરમાર્ગ વચ્ચે ડાઉન થ્રૂ લાઇન પર સાંજે ૬.૩૮થી ૬.૪૭ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવો પડ્યો હતો જેના કારણે લોકલ ટ્રેન લગભગ ૨૦ મિનિટ મોડી પડી હતી અને આશરે ૬.૫૨ વાગ્યે ઘાટકોપરથી રવાના થઈ શકી હતી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી છે. જોકે આ કેસમાં RPFએ ફરિયાદ નોંધી છે. તેની તબિયતમાં સુધારો આવતાં તેની ધરપકડ કરવામાં આવશે.’