તમારા નામે કુરિયર આવ્યું છે પણ તમારું ઍડ્રેસ નથી મળતું... આવો ફોન આવે તો ચેતી જજો

15 June, 2026 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ જિતેન્દ્ર મહેતાના પરિચિતોને પણ DTDC કુરિયના નામે ફોન ચાલુ જ છે

જિતેન્દ્ર મહેતા

DTDC કુરિયરના નામે ફોન કરીને જાણીતા બિલ્ડર જિતેન્દ્ર મહેતાનું વૉટ‍્સઅૅપ અકાઉન્ટ હૅક કરી લેવાયું અને પછી તેમના કૉન્ટેક્ટ લિસ્ટમાં પૈસા માગતો મેસેજ મોકલાયો, બે જણે ઠગને ૫૫,૦૦૦ રૂપિયા મોકલ્યા પણ ખરા: પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ જિતેન્દ્ર મહેતાના પરિચિતોને પણ DTDC કુરિયના નામે ફોન ચાલુ જ છે

ઘાટકોપર-થાણેના જાણીતા બિલ્ડર અને સામાજિક અગ્રણી જિતેન્દ્ર મહેતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરીને સાઇબર ઠગોએ તેમના પરિચિતોને નિશાન બનાવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રતિષ્ઠિત કુરિયર કંપની DTDCના નામે આવેલા અજાણ્યા ફોનકૉલ બાદ આ સમગ્ર ઠગાઈનો પર્દાફાશ થયો છે. આ ઠગાઈમાં ઘાટકોપરની એક મહિલા તેમ જ જિતેન્દ્ર મહેતાના એક મિત્રએ ઠગોના વિશ્વાસમાં આવીને ૫૫,૦૦૦-૫૫,૦૦૦ રૂપિયાની રકમ ગુમાવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે અનેક લોકોએ સમયસૂચકતા, સાવચેતી અને જાગરૂકતા દાખવીને ફોન કરનારની હકીકત ચકાસી લીધી હતી, જેને કારણે તેઓ આર્થિક નુકસાનમાંથી બચી ગયા હતા.

વૉટ‍્સઅૅપ હૅક કર્યા પછી જિતેન્દ્ર મહેતાના પરિચિતને મળેલો પૈસાની જરૂરિયાતનો મેસેજ.

જિતેન્દ્ર મહેતાના પરિચિતે ઠગને મોકલેલા પૈસાનો સ્ક્રીનશૉટ.

79-03965910 પરથી *21*92626 84192# નંબર પર ફોન કરવાનું જણાવતો હેમલ દોશીને મળેલો મેસેજ.

આખી ઘટના શું બની છે?

૬ જૂને સવારે ૧૦ વાગ્યે જિતેન્દ્ર મહેતા એક મહત્ત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી  DTDC કુરિયરના નામે ફોન આવ્યો હતો. કુરિયરવાળાએ કહ્યું કે તમારા નામે પાર્સલ આવ્યું છે પણ તમારું લોકેશન નથી મળતું. જિતેન્દ્રભાઈ મીટિંગમાં વ્યસ્ત હતા એટલે તેમણે ફોન તેમના માણસને તપાસવા માટે આપ્યો હતો. માણસથી અજાણતાં કુરિયરવાળાએ વૉટ‍્સઅૅપ પર મોકલેલી એક શંકાસ્પદ લિન્ક પર ક્લિક થતાં તેમનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થઈ ગયું હતું. વૉટ્સઍપ હૅક થયા બાદ સાઇબર ઠગોએ જિતેન્દ્ર મહેતાના સેંકડો કૉન્ટૅક્ટ્સ સુધી પહોંચ મેળવી હતી અને ઘાટકોપર સહિત વિવિધ વિસ્તારોમાં તેમના પરિચિતોને ફોન કરીને કુરિયર સંબંધિત બહાના હેઠળ પૈસાની માગણી શરૂ કરી હતી.

આ બાબતની માહિતી આપતાં જિતેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી મીટિંગમાંથી ફ્રી થયો ત્યારે મને મારા ફોનમાં વૉટ્સઍપ અપ બંધ થઈ ગયું હોવાની જાણકારી મળી હતી. સાંજના ૪ વાગ્યે મને અચાનક મારી સાથે કોઈ રમત તો રમાઈ નથીને એવો વિચાર આવતાં મેં તરત જ વોડાફોનની ગૅલરીમાં જઈને મારું વૉટ્સઍપ ચાલુ કરાવ્યું હતું. એ જ સમયે મને મારા પરિવારમાંથી અને મારા મિત્રવર્તુળમાંથી ખબર પડી હતી કે તે લોકોને મારા નામે એક મેસેજ ગયો હતો કે મારું UPI અકાઉન્ટ બંધ થઈ ગયું હોવાથી મને બે કલાક માટે ૫૫,૦૦૦ રૂપિયાની જરૂર છે. આ મેસેજને કારણે મારા પરિવારની એક મહિલાએ અને મારા થાણેના એક મિત્રએ અજાણ્યા નંબર પર ૫૫,૦૦૦ રૂપિયા ગૂગલ પે કરી દીધા હતા.’

 

પોલીસમાં ફરિયાદ

અમને જ્યારે કોઈ લેભાગુએ જિતેન્દ્ર મહેતાનો ફોન કરીને હૅક કરીને અમારી સાથે સાઇબર ફ્રૉડ કર્યું છે એની જાણકારી મળી એટલે તરત જ અમે આ બાબતની થાણેના વર્તકનગર પોલીસ-સ્ટેશનમાં અને ઘાટકોપરના પંતનગર પોલીસ-સ્ટેશનમાં સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી એમ જણાવતાં જિતેન્દ્ર મહેતાના થાણેના ક્લોઝ ફ્રેન્ડ ભાવિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ મને જિતુભાઈનો બે કલાક માટે પૈસાની જરૂર છેનો મેસેજ મળ્યો ત્યારે હું દમણમાં હતો. જિતુભાઈને પૈસાની જરૂર છે એ બાબતને ગંભીરતાથી લઈને મેં તરત જ ગૂગલ પેથી તેમને ૫૫,૦૦૦ રૂપિયા મોકલી દીધા હતા. જોકે એ પૈસા જિતુભાઈનો ફોન હૅક થયો હોવાથી જિતુભાઈને બદલે લેભાગુના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આવી જ રીતે જિતુભાઈની એક સંબંધી મહિલાએ પણ ઘાટકોપરથી તેમને ૫૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અમારી સાથે ફ્રૉડ થયો હોવાની જાણ થયા પછી અમે તરત જ નજીકના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે હું દમણમાં હોવાથી લેભાગુએ મોકલેલા મેસેજ મારા ફોનમાંથી ઑટોમૅટિક ડિલીટ થઈ ગયા હતા.’

ફોનકૉલ્સનો સિલસિલો બંધ થયો નથી

૬ જૂનની અમારી પોલીસ-ફરિયાદો પછી પણ મારા અનેક પરિચિતોને હજી DTDC કુરિયર કંપનીના નામે ફોનકૉલ્સ આવી રહ્યા છે એમ જણાવતાં જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘૬ જૂનની સાંજે મારો ફોન અને વૉટ્સઍપ શરૂ થતાં જ મેં લોકોને મારા નામે સાઇબર ફ્રૉડ થઈ રહ્યો છે એની જાણકારી આપીને તેમને ચેતવી દીધા હતા. એમાં ગુરુવારે ઘાટકોપરના મારા અનેક મિત્રોને DTDC કુરિયર કંપનીમાંથી બોલું છું અને મારો માણસ તમારું લોકેશન શોધી રહ્યો છે એમ કહીને ફોન આવવાના અને તેમના ફોન હૅક કરીને તેમના પરિચિતો પાસેથી પૈસા માગવાના ફોન આવી રહ્યા છે.’

સમયસૂચકતાએ બચાવી લીધો

ઘાટકોપર-ઈસ્ટમાં રાજાવાડીમાં રહેતા હાઉસકીપિંગ આઇટમોના વેપારી હેમલ દોશીએ સાઇબર ફ્રૉડના તેના અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે દોઢ-બે વાગ્યાની આસપાસ મારા પર DTDC કુરિયર કંપનીના નામે પહેલાં 97262 84192 નંબર પરથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું કે તમારું એક કુરિયર આવ્યું છે, પણ મારો માણસ તમારું લોકેશન ટ્રૅક કરી શકતો નથી એટલે હું તમને એક મેસેજ મોકલું છું એ નંબર પર તમે ક્લિક કરશો તો માણસ તમારા લોકેશન પર આવીને કુરિયર આપી જશે. હું છેલ્લા એક અઠવાડિયાથી મારું એક અર્જન્ટ કુરિયર આવવાની રાહ જોતો હતો. એમાં DTDC કુરિયર કંપની કોઈ બીજાને કુરિયર હૅન્ડઓવર કરે નહીં એટલો મને વિશ્વાસ હતો. એમાં આ ફોન આવવાથી હું અધીરો બની ગયો હતો એટલે તે વ્યક્તિના કહેવા પ્રમાણે મને 79-03965910 પરથી મેસેજ આવ્યો કે તમે *21*92626 84192# પર ફોન કરો. એટલે સમય વેડફ્યા વગર જેવો મેં *21*92626 84192# નંબર ક્લિક કર્યો એટલે તરત જ મારું વૉટ્સઍપ હૅક થઈ ગયું હતું અને મારા પરિચિતોને મેસેજ ગયો હતો કે આઇ નીડેડ લિટલ હેલ્પ, કૅન યુ સેન્ડ મી UPI ૬૫,૦૦૦, માય UPI નૉટ વર્કિંગ પ્રૉપર્લી, વિલ રિટર્ન ઇટ ઇન ટૂ અવર્સ. આ મેસેજ ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને મારા કાકા ચંદ્રકાંત દોશીને પણ ગયો હતો.’

હેમલનો મેસેજ આવતાં જ મેં સામે મેસેજ મોકલ્યો કે મને તિલક રોડની ઍક્સિસ બૅન્કની બહાર મળ, હું તને પૈસા આપું છું એમ જણાવીને ચંદ્રકાંત દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઍક્સિસ બૅન્ક પાસે જવા નીકળતો હતો ત્યાં જ મને એકદમ વિચાર આવ્યો કે હેમલ મને ઇંગ્લિશમાં મેસેજ કરે જ નહીં, કરે તો ગુજરાતીમાં કરે. આથી મેં તરત જ હેમલની વાઇફના નંબર પર ફોન કરીને તેની સાથે વાતચીત કરી કે હેમલને પૈસાની કેમ જરૂર પડી? હેમલ ત્યારે તેની સાથે જ હતો. તેણે મને કહ્યું કે આવો કોઈ મેસેજ તેણે મને કર્યો જ નથી. પછી તેણે મને કુરિયર કંપનીમાંથી ફોન આવ્યાની બધી માહિતી આપી હતી. અમને અમારી સાથે સાઇબર ફ્રૉડ થયો હોવાની શંકા જતાં અમે એક પળનો વિલંબ કર્યા વગર પંતનગર પોલીસ-સ્ટેશનના સાઇબર સેલમાં જઈને આખી ઘટનાની જાણકારી આપીને ફરિયાદ કરી હતી. તેમણે મોબાઇલ લઈને એમાંથી હૅક થયેલા વૉટ્સઍપને ૧૫ મિનિટમાં જ ફરી શરૂ કરી આપ્યું હતું.’

અનેક લોકોને કૉલ

ઘાટકોપરના અગ્રણી બિલ્ડર જિજ્ઞેશ ખિલાણીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમલની જેમ જ ગુરુવારે બપોરના ૧.૩૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં મને, અમારા જ્વેલ ગ્રુપની મહિલા કાર્યકરોને અને ઘાટકોપરની જ ૨૬ વર્ષની એક યુવતીને DTDC કુરિયર કંપનીના નામે ફોન આવ્યા હતા, પણ બધા જ લેભાગુઓની નવી ચાલથી બચી ગયા હતા.’

પોલીસ શું કહે છે?

પંતનગર પોલીસ-સ્ટેશનના સાઇબર સેલનાં અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર તૃપ્તિ આઠવલેએ આખી ઘટના બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુરિયરના નામે છેતરપિંડીનો બનાવ થોડા સમય પહેલાં ઘાટકોપરની એક મહિલા સાથે બન્યો હતો. એમાં કુરિયરનો ફોટો બતાવીને તેના અકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. હમણાં-હમણાં મહાનગર ગૅસના બિલના નામે બહુ જ ફ્રૉડ થઈ રહ્યા છે. DTDC કુરિયર કંપનીના નામે કુરિયરના બહાને પણ છેતરપિંડી થઈ હોવાની અમને ફરિયાદ મળી છે. અમે એની તપાસ કરી રહ્યા છીએ. જાણીતી કુરિયર કંપનીઓના નામે લોકોનો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં અજાણ્યા નંબર પરથી આવતા ફોન, મેસેજ અથવા લિન્ક પર ક્લિક કરતાં પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. ઉપરાંત વૉટ્સઍપમાં ટૂ-સ્ટેપ વેરિફિકેશન સક્રિય રાખવું અને કોઈ પણ સંજોગોમાં OTP અથવા બૅન્કિંગની વિગતો શૅર ન કરવી જોઈએ. અમે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ સાઇબર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક સાઇબર ક્રાઇમ સેલનો અથવા નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરીએ છીએ.’

DTDC કુરિયર કંપની શું કહે છે?

DTDC કંપનીના જનરલ મૅનેજર રાજીવ ગુપ્તાએ આ ઘટના પર સ્પષ્ટતા કરતાં અને લોકોને અપીલ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજકાલ સાઇબર ફ્રૉડ બહુ જ વધી રહ્યા છે. અમારી કંપની કોઈને પણ કોઈ લિન્ક કે નંબર મોકલતી નથી. અમારો ડિલિવરી-મૅન જેનું કુરિયર હોય તેના હાથમાં એ જ સમયે OTP (વન-ટાઇમ પાસવર્ડ) લઈને પાર્સલ ડિલિવર કરે છે. અમે એ પહેલાં કોઈને લિન્ક મોકલતા નથી. અમે હંમેશાં ગ્રાહકોને OTP સાવધાનીથી આપવાની સલાહ આપીએ છીએ.’

ChatGPT શું સલાહ આપી?

સોશ્યલ મીડિયા માર્કેટિંગનો બિઝનેસ કરતી ઘાટકોપરની ૨૬ વર્ષની તેજવી કોટિચાએ તેના અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા બૅન્ગલોર ગયાં છે. તેમની ગેરહાજરીમાં ગુરુવારે સવારે મારા પર તમારું પાર્સલ આવ્યું છે અને ઍડ્રૅસ ટ્રૅક થતું નથી એવો એક ફોન આવ્યો હતો. પહેલાં તો મને મારા નામે કુરિયર બાબતે નવાઈ લાગી હતી, પણ પછી એમ થયું કે મારી ફૅમિલીનું કોઈનું હશે એમ સમજીને મારા પર 79-03965910 પરથી મેસેજ આવ્યો કે તમે *21*92626 84192# પર ફોન કરો. મેં *21*92626 84192# કૉપી કરીને ડાયલ કરવા પેસ્ટ કર્યો એટલે તરત જ મને મેસેજ આવ્યો કે તમારા મેસેજ, વૉટ્સઍપ અને કૉલ ફૉર્વર્ડ થઈ ગયા છે. આ મેસેજથી પહેલાં તો હું ગભરાઈ ગઈ હતી અને હવે શું કરું એવું ટેન્શન થઈ ગયું હતું. પછી મેં મારી એક ફ્રેન્ડને ફોન કરીને તેની સલાહ માગી તો તેણે મને આ મુદ્દે ChatGPTને પૂછવા કહ્યું હતું. જેવી મેં ChatGPTને મારા પ્રૉબ્લેમની વાત કરી એટલે એણે મને નીચે મુજબની સલાહ આપી...

જો તમારા ફોનમાંથી અચાનક ડેટા ફૉર્વર્ડ થતો હોય (જેમ કે ઇન્ટરનેટનો વધુ વપરાશ, અજાણી ફાઇલ ટ્રાન્સફર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ) તો તમે આ પગલાં લઈ શકો:

 ઇન્ટરનેટનું કનેક્શન બંધ કરો

મોબાઇલ ડેટા અને wi-fi બન્ને બંધ કરો.

જરૂર હોય તો Airplane Mode ચાલુ કરો.

 ડેટાનો વપરાશ તપાસો

Settings > Network & Internet > Data Usage (Android)

Settings > Cellular/Mobile Data (iPhone)

કઈ ઍપ અસામાન્ય રીતે વધુ ડેટા વાપરી રહી છે એ જુઓ.



  1. શંકાસ્પદ ઍપ્સ દૂર કરો

તાજેતરમાં ઇન્સ્ટૉલ કરેલી અજાણી ઍપ્સ અનઇન્સ્ટૉલ કરો.

ઍપ પરમિશન્સ (કૅમેરા, માઇક્રોફોન, ફાઇલ્સ, SMS) તપાસો.

  1. બૅકગ્રાઉન્ડ ડેટા મર્યાદિત કરો

શંકાસ્પદ ઍપ્સ માટે Background Data બંધ કરો.

  પાસવર્ડ બદલો ઈ-મેઇલ, બૅન્કિંગ, સોશ્યલ મીડિયા અને અન્ય મહત્ત્વનાં અકાઉન્ટ્સના પાસવર્ડ બદલો.

જ્યાં શક્ય હોય ત્યાં Two-Factor Authentication (2FA) ચાલુ કરો.

 સિક્યૉરિટી સ્કૅન ચલાવો ફોનના બિલ્ટ-ઇન સિક્યૉરિટી ટૂલ અથવા વિશ્વસનીય ઍન્ટિ-વાઇરસથી સ્કૅન કરો.

 કૉલ/મેસેજ ફૉર્વર્ડિંગ તપાસો ફોન ઍપમાં Call Forwarding સેટિંગ્સ તપાસો. અજાણ્યા ફૉર્વર્ડિંગ નિયમો હોય તો દૂર કરો.

  જરૂર પડે તો ફૅક્ટરી રીસેટ

મહત્ત્વનો ડેટા બૅકઅપ કર્યા પછી Factory Reset કરો, જો સમસ્યા ચાલુ રહે.

આ સલાહ ફૉલો કરવાથી મારો ડેટા ફૉર્વર્ડ થતો બંધ થઈ ગયો હતો અને હું બચી ગઈ હતી.

mumbai news MUMBAI cyber crime ghatkopar thane crime thane mumbai police maharashtra news gujarati community news gujaratis of mumbai