02 February, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે બજેટ રજૂ કરતી વખતે મુંબઈ-પુણે હાઈ-સ્પીડ રેલ કૉરિડોરની જાહેરાત કરી હતી, જે ભારતભરમાં ૭ નવા કૉરિડોરના ભાગરૂપે બનાવવામાં આવી રહ્યો છે. એનો ઉદ્દેશ ઇન્ટરસિટી રેલવે-મુસાફરીનો સમય ઘટાડવાનો અને કનેક્ટિવિટીને આધુનિક બનાવવાનો છે જેની વધુ વિગતો હજી બહાર આવવાની બાકી છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બે શહેરો વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ૪૮ મિનિટ જેટલો થઈ શકે છે. વંદે મેટ્રો અને અમૃત ભારત જેવી નવી ટ્રેનો અને નેટવર્કમાં સલામતી-પ્રણાલીઓ ઉમેરવામાં આવી રહી છે જે મુંબઈ અને પુણેને જોડતા રૂટ પર વિશ્વસનીયતા અને સ્પીડ વધારવામાં મદદ કરશે. પનવેલ-કર્જત ઉપનગરીય રેલ કૉરિડોર જેવા પ્રોજેક્ટ્સ મુંબઈ મેટ્રોપૉલટિન રીજન (MMR)માં કનેક્ટિવિટી વધારે છે એ કમ્યુટર રેલ ઍક્સેસમાં સુધારો કરીને અને શહેરી ટ્રાફિકની સમસ્યા ઘટાડીને રોડ-મુસાફરી પરનું દબાણ ઓછું કરવામાં મદદ કરશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બન્ને શહેરો વચ્ચેની માળખાગત સુવિધામાં મોટો વધારો થયો છે જેને કારણે મુસાફરી સરળ બની છે. રોડ, રેલ અને મેટ્રો પ્રોજેક્ટ્સ પર એક નજર નાખતાં આ પ્રોજેક્ટ્સ કાં તો પૂરા થઈ ગયા છે અથવા કામ ચાલુ છે.
ખોપોલી અને કુસગાંવ વચ્ચે લગભગ પૂરા ૧૩.૩ કિલોમીટરનો બાયપાસ ખંડાલા-લોનાવલા ઘાટ સેક્શનને દૂર કરશે. એ મુસાફરીનો સમય વીસથી ૩૦ મિનિટ ઘટાડશે. એમાં બે ટનલ (એક ૮.૯ કિલોમીટર લાંબી અને ૨૩ મીટર પહોળી) અને ટાઇગર વૅલી પર ૧૮૦ મીટર ઊંચો કેબલ-સ્ટેય્ડ બ્રિજ છે.
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) મુંબઈના અટલ સેતુને પુણે રિંગ રોડ સાથે જોડતો ૮ લેન અને ૧૩૦ કિલોમીટરનો ઉચ્ચ ક્ષમતાવાળો કૉરિડોર બનાવવાની યોજના બનાવી રહી છે. એનો હેતુ કુલ મુસાફરીનો સમય ઘટાડીને ૯૦ મિનિટ કરવાનો છે.
વધતા જતા ટ્રાફિકને સંભાળવા માટે હાલના એક્સપ્રેસવેને છથી ૧૦ લેન સુધી પહોળો કરવાની યોજના ચાલી રહી છે, જે ૨૦૩૦ સુધીમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA) નજીક અટલ સેતુથી પુણેના શિવરે સુધી એક નવો સમાંતર એક્સપ્રેસવે (૧૩૦ કિલોમીટર) બનાવવાની યોજના છે, જે સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા પછી મુસાફરીનો સમય લગભગ દોઢ કલાક સુધી ઘટાડી શકે છે.