01 February, 2026 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસસ્થાન લોકભવનના દરબાર હૉલમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં શપથ લેતાં સુનેત્રા પવાર. તસવીર: આશિષ રાજે
મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રા અજિત પવારે શનિવારે શપથ લીધા હતા. રાજ્યસભા સંસદસભ્યપદેથી રાજીનામું આપનાર ૬૨ વર્ષનાં સુનેત્રા પવારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે એક સાદા સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
ગઈ કાલે પહેલાં તેમને રાજ્ય NCP વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને NCPની મહાયુતિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ તેમ જ નાણાં મંત્રાલય સંભાળનારા અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં વિમાન-દુર્ઘટનામાં અવસાન થયું હતું. સુનેત્રા પવાર શપથ લેવા માટે ઊભાં થતાં જ ‘અજિતદાદા અમર રહે’ના નારા લાગ્યા હતા.
આ સમાંરભમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
સુનેત્રા પવારના નાના પુત્ર જય પવાર અને તેમનાં પત્ની પણ હાજર રહ્યાં હતાં.
સુનેત્રા પવાર રાજ્ય વિધાનસભાનાં બન્ને ગૃહોનાં સભ્ય નથી અને તેમના સ્વર્ગસ્થ પતિ દ્વારા રજૂ કરાયેલા બારામતી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી લડે એવી અપેક્ષા છે.
રાજકીય પરિવારમાંથી આવતાં લો-પ્રોફાઇલ સુનેત્રા પવારે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પોતાની નણંદ અને NCP (SP)નાં સુપ્રિયા સુળે સામે પવાર પરિવારના હોમગ્રાઉન્ડ બારામતીમાં ચૂંટણીમાં પદાર્પણ કર્યું હતું. જોકે તેમની હાર થઈ હતી. એ પછી તેઓ રાજ્યસભામાં ગયાં હતાં.
હવે તેમણે BJP અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે કામ કરતી વખતે NCPને એકસાથે રાખવાનું અને ગઠબંધન રાજકારણનું સંચાલન કરવાનું કપરું કાર્ય પાર પાડવાનું છે. જોકે તેમનો તાત્કાલિક પડકાર એ હશે કે બન્ને NCP જૂથોના બહુપ્રતિક્ષિત વિલીનીકરણ સાથે આગળ વધવું કે નહીં એ વિશે નક્કી કરીને નિર્ણય લેવો.
સુનેત્રા પવારને એક્સાઇઝ ડ્યુટી, રમતગમત અને યુવા કલ્યાણ અને લઘુમતી વિકાસનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમના પતિ અજિત પવાર દ્વારા સંભાળવામાં આવતા ફાઇનૅન્સ ઍન્ડ પ્લાનિંગનું ખાતું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંભાળશે; જ્યારે અજિત પવારનાં અન્ય ખાતાં એક્સાઇઝ ડ્યુટી, રમતગમત અને યુવા કલ્યાણ સાથે સુનેત્રા પવારને વધારાનું લઘુમતી વિકાસ (માઇનૉરિટી અને વક્ફ)નો પણ ચાર્જ સોંપાયો છે જે પહેલાં NCPના જ મિનિસ્ટર માણિકરાવ કોકાટે પાસે હતું.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લેતાં પહેલાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની વિધાનભવનમાં બેઠક હતી. આ બેઠકમાં પક્ષના બધા જ વિધાનસભ્યો, પ્રધાનો અને નેતાઓ ઉપિસ્થત રહ્યા હતા. એ પછી સુનેત્રા પવારની વિધાનસભાના જૂથનેતા તરીકે વરણી થઈ હતી. વિધાનભવનમાં ગયા પછી સુનેત્રા પવારે સૌપહેલાં અજિત પવારની તસવીરને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમનો પુત્ર પાર્થ પવાર પણ હતો. તેણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. NCPની આ બેઠકમાં પક્ષના પ્રમુખ નેતાઓ દિલીપ વળસે પાટીલ, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ , ધનંજય મુંડે, હસન મુશરીફ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. વિધાનસભામાં NCPના જૂથનેતાના પદ માટે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ પક્ષના નેતા દિલીપ વળસે પાટીલે મૂક્યો હતો. આ પ્રસ્તાવને પક્ષના વરિષ્ઠ નેતા છગન ભુજબળે અનુમોદન આપ્યું હતું. એ પછી એ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવતાં સુનેત્રા પવારની વિધાનસભામાં પક્ષનાં નેતા તરીકેની નિમણૂક પાર પડી હતી. એ પછી પક્ષના નેતાઓ દ્વારા આ બાબતની જાણ કરતો પત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવ્યો હતો. દરમ્યાન સુનેત્રા પવારે તેમને પક્ષે વિધાનસભાના જૂથનેતા બનાવ્યા બાદ તેમના રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.