એક કરોડ આઠ લાખ રૂપિયા તમને કેમ આપવામાં આવ્યા?

07 August, 2022 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્રા ચાલના મામલામાં ઈડીએ સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતને આ રકમની સહિત એને સંબંધિત ડૉક્યુમેન્ટ્‌સને લગતા સવાલ પૂછ્યા

સંજય રાઉત


મુંબઈ : પત્રા ચાલના ૧૦૩૯ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં શિવસેનાના નેતા સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા સમન્સ મોકલ્યા હોવાથી તેઓ ગઈ કાલે ઈડીની બેલાર્ડ પિયરમાં આવેલી ઑફિસમાં પહોંચ્યાં હતાં. ઈડીના અધિકારીઓએ તેમના અકાઉન્ટમાં એક કરોડ આઠ લાખ રૂપિયા શા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા સહિત તેમના ભાંડુપના ઘરમાંથી હાથ લાગેલા કેટલાક શંકાસ્પદ ડૉક્યુમેન્ટ્‌સ સંબંધિત સવાલ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઈડીના સમન્સ મળ્યા બાદ ગઈ કાલે વર્ષા રાઉત પુત્રી, જમાઈ અને દિયર સુનીલ રાઉત સાથે ઈડીની ઑફિસમાં ગયાં હતાં. ઈડીના અધિકારીઓએ તેમના બૅન્કના ખાતામાં રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવા ઉપરાંત દાદરમાં ગાર્ડન કોર્ટમાં ફ્લૅટ, અલીબાગના કિહીમ બીચ પર ખરીદવામાં આવેલા પ્લૉટ અને ઘરમાંથી સર્ચ-ઑપરેશન દરમ્યાન મળેલા ડૉક્યુમેન્ટ્‌સ સંબંધે પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પત્રા ચાલ મામલામાં કહેવાતા કૌભાંડમાં સંજય રાઉતના મિત્ર પ્રવીણ રાઉતે ૧૧૨ કરોડ રૂપિયા મેળવ્યા બાદ એમાંથી અમુક રકમ સંજય રાઉત અને વર્ષા રાઉતના બૅન્કના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની સાથે તેમને અમુક રકમ કૅશ પણ આપી હોવાનો દાવો ઈડીના અધિકારીઓએ કર્યો છે. તેમને આટલી મોટી રકમ શા માટે આપવામાં આવી હતી એ સંબંધી તપાસમાં સંજય રાઉતની ધરપકડ કરવાની સાથે તેમનાં પત્ની વર્ષના રાઉત અને અન્ય ૭ લોકોને ઈડીમાં હાજર થવાના સમન્સ મોકલ્યા હતા. આથી વર્ષા રાઉત ગઈ કાલે ઈડીની ઑફિસમાં હાજર થયાં હતાં.

 

 



mumbai news mumbai sanjay raut