03 June, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાઉદની નજીકના મનાતા અને ડ્રગ્સનો ગોરખધંધો સંભાળતા સલીમ ડોલા (વચ્ચે)ને લઈ જતા અધિકારીઓ.
એપ્રિલમાં ટર્કીથી પ્રત્યાર્પણ કરી ભારત લવાયેલા આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના ખાસ મનાતા અને ડ્રગ્સના ધંધાનો કારભાર સંભાળતા સલીમ ડોલાની તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મંગળવારે કાર્યવાહી કરતાં મુંબઈ, સુરત અને અંકલેશ્વર, રાજકોટ સહિત ૨૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા.
EDએ આપેલી માહિતી અનુસાર આ દરોડા સલીમ ડોલાના સિન્ડિકેટથી જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), હવાલા ઑપરેટરો, બેનામી પ્રૉપર્ટી ધરાવનારા તેમ જ ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ પૂરું પાડતી કંપનીઓ પર દરોડા પડાયા હતા.
EDએ સલીમ ડોલા વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધ્યો છે અને એની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ હતી. ડોલાના નામે જાણીતો સલીમ ઇસ્માઇલ ડોલા વૉન્ટેડ ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમનો વિશ્વાસુ મનાય છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનું રૅકેટ ચલાવે છે.
તેના વિરુદ્ધ ઍન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા અનેક ગુના નોંધવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં તેને ટર્કીથી પ્રત્યાર્પણ કરીને લવાયો હતો. તે દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ થતાં જ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ તેને તાબામાં લીધો હતો.