05 November, 2025 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
EDએ ૨૯ ઑક્ટોબરે એકસાથે અનેક સ્થળો પર રેઇડ પાડીને ડ્યુઅલ સિમ ફૅસિલિટી ધરાવતા ૧૦૦થી વધુ મોબાઇલ ફોન સહિત અનેક ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.
૨૦૨૨માં શૅરબજારમાં IPO લાવી માર્કેટમાંથી ૪૦ કરોડ રૂપિયા ઊભા કરનાર વરેણ્યમ ક્લાઉડ લિમિટેડ અને એના પ્રમોટર હર્ષવર્ધન સાબળે અને અન્ય સામે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) અંતર્ગત નોંધાયેલા કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના દિલ્હી યુનિટે ૨૯ ઑક્ટોબરે મુંબઈમાં ઘણીબધી જગ્યાએ સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન EDએ ૪૦૦ ચેકબુક, મુંબઈના જ લોકોના દસ્તાવેજો આપીને મેળવાયેલાં ૨૦૦ સિમ-કાર્ડ અને ડ્યુઅલ સિમ-કાર્ડની ફૅસિલિટી ધરાવતા ૧૦૦ ફોન જપ્ત કર્યાં હતાં.
કંપની દ્વારા જ્યારે IPO લાવવામાં આવ્યો ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ નાના ટાઉનમાં ડેટા-સેન્ટર અને ડિજિટલ લર્નિંગનાં સેન્ટર સ્થાપવાની છે. પોતે ડિજિટલ મીડિયા, બ્લૉકચેઇન અને એજ્યુકેશન ટેકમાં ફાસ્ટ-ગ્રોઇંગ કંપની છે અને પબ્લિકનો વિશ્વાસ મેળવવા જાણીતા બિઝનેસ-ગ્રુપ અને મીડિયા-ગ્રુપનો પણ એને સહકાર છે એવી જાહેરાતો કંપનીએ કરી હતી. જોકે કંપની દ્વારા કરવામાં આવેલા દાવાઓ ક્યારેય પૂરા કરાયા નહીં. માર્કેટમાંથી IPO દ્વારા મેળવવામાં આવેલા પૈસા ખોટાં ટ્રાન્ઝૅક્શન કરીને બીજે વાળી દેવામાં આવ્યા હતા અને માર્કેટમાં શૅર્સનો ભાવ ઊંચો રાખવા એનો ખોટી રીતે ઉપયોગ કરાયો હતો. તેમના દ્વારા આર્ટિફિશ્યલી શૅર્સનો ભાવ ઊંચો લઈ જવાતો હતો અને એ માટે પમ્પ ઍન્ડ ડમ્પની સ્ટ્રૅટેજી અપનાવાતી હતી. એ માટે કંપની દ્વારા ખોટા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. એ પછી ઊંચા ભાવે કંપની દ્વારા શૅર્સ વેચી દેવાતા હતા અને આમ રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
EDને હાલમાં ચોક્કસ માહિતી મળી હતી કે કંપની દ્વારા ફાઇનૅન્શિયલ રેકૉર્ડ્સનું મોટા પાયે મૅનિપ્યુલેશન કરવામાં આવ્યું હતું અને ફન્ડ સર્ક્યુલર મૂવમેન્ટમાં વાળવામાં આવ્યું હતું. એ કરવા ૧૫૦ જેટલી શેલ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. આમ કરીને તેમણે મની-લૉન્ડરિંગનો ગુનો કર્યો હતો એટલે ૨૯ ઑક્ટોબરે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ-ઓપરેશનની આ કાર્યવાહીની પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે આ રીતે ફન્ડની હેરાફેરી કરવા માટે મુંબઈમાં બોગસ દસ્તાવેજોના આધારે KYC કરાવીને ડમી સિમ-કાર્ડના સહારે અનેક બૅન્ક-અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતાં. આ બૅન્ક-અકાઉન્ટ્સની ૪૦૦ ચેકબુક, ૨૦૦ સિમ-કાર્ડ અને ડ્યુઅલ સિમ-કાર્ડ ધરાવતા ૧૦૦ જેટલા ફોન EDએ આ કાર્યવાહીમાં જપ્ત કર્યાં હતાં. એ સાથે જ એને લગતા દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા. સાથે જ પુરાવા રૂપે ઘણાંબધાં લૅપટૉપ, હાર્ડ-ડ્રાઇવ્સ પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આ કેસમાં જે શેલ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી એ એક નાના રૂમમાંથી ઑપરેટ કરાતી હતી. એના નામે ઘણાં બધાં બૅન્ક-અકાઉન્ટ્સ ખોલવામાં આવતાં હતાં અને એના દ્વારા ફન્ડ ડાઇવર્ટ કરવામાં આવતું હતું. EDએ આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ વિગતો મેળવવાનું ચાલુ કર્યું છે.